VIDEO : ‘હું તમારી બહેન અને દીકરી છું’ કંગનાનો ચૂંટણી પ્રચાર શરૂ, રાહુલ-સુપ્રિયા પર કર્યા પ્રહાર
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે, તેમણે પોત-પોતાના મતવિસ્તારમાં ધમાકેદાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે, ત્યારે બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં મંડી લોકસભા બેઠક (Mandi Lok Sabha Seat)ની ભાજપ ઉમેદવાર કંગના રણૌતે (Kangana Ranaut) પણ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આ દરમિયાન તેણે રોડ-શો બાદ જાહેર સભા સંબોધી કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પર આકરા પ્રહારો કર્યા હતા.
જનતાએ જય શ્રીરામના નારા લગાવ્યા
હિમાચલમાં પહોંચતા જ કંગનાનું બનોહા વિસ્તારમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત જનતાએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ત્યારબાદ કંગનાએ રોડ શો શરૂ કર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પહેલા કંગનાએ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હતી, પછી તેણે પોતાના મત વિસ્તારમાં પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે.
‘હું કોઈ હિરોઈન અથવા સ્ટાર નથી’
રોડ શો દરમિયાન કંગનાએ કહ્યું કે, ‘તમે જોઈ રહ્યા છો કે, મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, ઘણા લોકો ગર્વ અનુભવી રહ્યા છે કે, આ ચૂંટણીમાં મંડીની દીકરી પ્રતિનિધિત્વ કરી રહી છે. હું કોઈ હિરોઈન અથવા સ્ટાર નથી, હું તમારી બહેન અને દીકરી છું અને તમે બધા મારો પરિવાર છો. અમારા માટે વિકાસનો મુદ્દો મહત્વનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમને જે દિશામાં માર્ગદર્શન આપશે, તે દિશામાં અમે કામ કરવામાં કોઈપણ પાછીપાની નહીં કરીએ. આ ચૂંટણીમાં મંડીની જનતા દેખાડી દેશે કે, તેમના દિલમાં શું છે.’
કંગનાએ રાહુલ, સુપ્રિયા પર સાધ્યું નિશાન
રોડ શો બાદ કંગનાએ જાહેર સંબોધન સભામાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે, ‘કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી હિન્દુઓની શક્તિ નષ્ટ કરવા જેવી વાતો કરે છે. જ્યારે તેમના પ્રવક્તા (સુપ્રિયા શ્રીનેત) મંડીની દીકરીઓના ભાવ શું ચાલી રહ્યા છે, તેવી અભદ્ર ભાષાઓ બોલે છે. આ તે મંડી છે, તેનું નામ ઋષિ માંડવ પરથી રખાયું છે. આ તે મંડી છે, જ્યાં ઋષિઓએ ઘણી તપસ્યાઓ કરી છે. આ તે મંડી છે, જ્યાં શિવરાત્રીનો સૌથી મોટો મેળો યોજાય છે, ત્યારે આ મંડીની બહેન-દીકરી વિષે આવા શબ્દો બોલતા હલકી કક્ષાનાની વાત છે. પરંતુ કોંગ્રેસ પાસેથી અપેક્ષા પણ શું રાખી શકાય.’