હિમાચલ પ્રદેશ: IIT મંડીમાં બની રહ્યું છે 200 કિલો વજન ઉપાડવા માટેનું દેશનું પ્રથમ ડ્રોન
નવી દિલ્હી,તા. 29 નવેમ્બર 2022, મંગળવાર
ડ્રોન પોલિસી બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય હિમાચલના નામમાં વધુ એક સિદ્ધિ ઉમેરાવાની છે. 200 કિલો સુધીનો ભાર વહન કરતું દેશનું પ્રથમ ડ્રોન IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી), મંડી, હિમાચલ ખાતે એક સ્ટાર્ટઅપ હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ડ્રોનનું ટ્રાયલ પણ IIT કેમ્પસમાં જ એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં કરવામાં આવશે. તેની ઊંચી લિફ્ટિંગ ક્ષમતાને કારણે આ ડ્રોન પર્વતીય રાજ્યોમાં એર કાર્ગો પરિવહન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. સ્ટાર્ટઅપ કંપનીનો દાવો છે કે વધુ વહન ક્ષમતાને કારણે આ ડ્રોન પર્વતીય વિસ્તારોમાં સામાન લઈ જવા માટે 7 ટકા સુધી સસ્તું રહેશે. કટોકટીની સ્થિતિમાં તેના દ્વારા દૂરના વિસ્તારોમાંથી ઘાયલોને પણ હોસ્પિટલ સુધી લઈ જઈ શકાશે. એક મહિના પહેલા આ કંપનીએ અરુણાચલ પ્રદેશમાં 6500 ફૂટની ઉંચાઈ પર ભારતીય સેનાને 50 કિલો જરૂરી સામાન પહોંચાડવાની ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી છે.
પ્રોફેસર ડૉ. પૂરણ સિંહ કેટાલિસ્ટ ફેકલ્ટી ઈન્ચાર્જ, IIT મંડી ના જણાવ્યા મુજબ બોન-વી એરો સ્ટાર્ટઅપ IIT મંડીના સહયોગથી 200 કિલો વજન ઉપાડી શકે તેવું ડ્રોન બનાવી રહ્યું છે. આ ડ્રોનનું IIT કેમ્પસમાં જ એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં ટ્રાયલ કરવામાં આવશે. IIT મંડી છેલ્લા એક વર્ષથી આ સ્ટાર્ટઅપને ટેકો આપી રહી છે.
બોન-વી એરો એ ભારતમાં પહેલું સ્ટાર્ટઅપ છે જેણે IIT મંડીના સહયોગથી 200 કિલો વજન ઉપાડવા સક્ષમ ડ્રોન બનાવ્યું છે. હિમાચલના ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષા, વરસાદ, ભૂસ્ખલનને કારણે સામાન લઈ જવો પડકારજનક છે. આવી સ્થિતિમાં 200 કિલો વજન ઉપાડવા સક્ષમ ડ્રોન ફાયદાકારક સાબિત થશે.- સત્યવ્રત સતપથી, સીઈઓ બોન-વી એરો.
10 કિલો સામાનને લઈ જવાની કિંમત 10 રૂપિયા પ્રતિ કિલોમીટર હશે. બોન-વી એરો કંપનીના સીઈઓ સત્યવ્રત સતપથી કહે છે કે જ્યારે ડ્રોન 10 કિલોની સરખામણીએ 200 કિલો વજન ઉપાડશે, તો 10 કિલોના સામાનનું પ્રતિ કિલોમીટર ભાડું ઘટીને 10 રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ શકે છે. જોકે ડ્રોનનો ઉપયોગ કયા વિસ્તારમાં અને પરિસ્થિતિમાં થશે તે પણ મહત્વનું રહેશે.