ટોઇલેટ સીટ પર ટેક્સ લઈને તિજોરી ભરવા માંગતી હતી સરકાર? ભારે વિવાદ બાદ CMએ તોડ્યું મૌન
Toilet Seat Tax Controversy : હાલમાં જ હિમાચલ પ્રદેશમાં 'ટોઇલેટ સીટ ટેક્સ' લાદવાને લઈને વિવાદ થયો હતો. ત્યારે હવે આ વચ્ચે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની પ્રતિક્રિયા આમે આવી છે. સુખુએ આને પાયાવિહોણું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે 'ટોઇલેટ ટેક્સ' જેવો કોઈ ટેક્સ નથી.
મીડિયા સાથે વાત કરતા સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે, 'ચૂંટણી પહેલા ભાજપે હિમાચલ પ્રદેશમાં 5 હજાર કરોડ રૂપિયાની રેવડી વહેંચી હતી. જેમાં તેમણે મફત પાણીનું મીટર લગાવવાનું વચન આપ્યું હતું. અને પાણીનું બિલ નહીં વસુલ કરે તેવું કહ્યું હતું. અમે પરિવાર દીઠ 100 રૂપિયાનું બિલ આપવાની વાત કહી છે. જેમાં ઓબેરોય અને તાજ જેવી ફાઈવ સ્ટાર હોટલો પણ સામેલ હતી. તેમાં એવા લોકો પણ હતા કે જેઓ ટેક્સ ભરવાની ક્ષમતા ધરાવતા હતા. ટોઈલેટ ટેક્સ જેવો કોઈ ટેક્સ નથી. આના પર રાજકારણ કરનારાઓએ સમજવું જોઈએ. આમાંથી કોઈ રાજકીય લાભ ન લેવો જોઈએ. વ્યક્તિએ પહેલા વસ્તુઓ સમજવી જોઈએ અને પછી વાત કરવી જોઈએ.'
હિમાચલ પ્રદેશના જળ શક્તિ વિભાગ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં શહેરી વિસ્તારોમાં પ્રતિ ટોઇલેટ ટેક્સ વસુલવાની બાબતનું ખંડન કર્યું હતું. હિમાચલ પ્રદેશની સુખુ સરકારના 'ટોયલેટ સીટ ટેક્સ'ને લઈને સતત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ હિમાચલ સરકારના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસ પર કટાક્ષ કરતા નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું હતું કે, 'અવિશ્વસનીય, જો આ સાચું હોય. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાને જન આંદોલન બનાવી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ શૌચાલય માટે લોકો પાસેથી ટેક્સ વસૂલી રહી છે.'
હિમાચલ પ્રદેશ સરકારના 'ટોઇલેટ સીટ ટેક્સ' ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રહાર કર્યો હતો. નકવીએ કહ્યું હતું કે, 'મહાત્મા ગાંધી જયંતિના અવસર પર કોંગ્રેસ સરકાર હિમાચલની જનતાને આવી ભેટ આપી રહી છે, આનાથી વધુ અસંવેદનશીલતા ન હોઈ શકે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી દરેક ઘરમાં મફત ટોયલેટ આપી રહ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાના રાજ્યમાં ટોયલેટ પર ટેક્સ લગાવી રહી છે, આ એક ક્રિમીનલ એકટ છે, તેનાથી વધુ કંઈ નથી.'