લગ્નમાંથી પાછા ફરતા પરિવારને કાળ ભરખી ગયો, નદીના પ્રવાહમાં કાર તણાઈ, 6નાં મોત 4 ગુમ
Accident in Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં આજે (11મી ઑગસ્ટ) મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંજાબ-હિમાચલ બોર્ડર પર જેજો નદીના જોરદાર પ્રવાહમાં ઈનોવા કાર તણાઈ હતી, જેમાં એક જ પરિવારના 11 લોકો સવાર હતા. આ અકસ્માત છના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. ચાર લોકો હજુ પણ ગુમ છે. અહેવાલો અનુસાર, આ પરિવાર લગ્ન પ્રસંગમાં સામેલ થવા પંજાબ ગયો હતો. પરંતુ પરત ફરતી વખતે તેને અકસ્માત નડ્યો હતો.
ગુમ લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ
અહેવાલો અનુસાર, કારમાં સવાર પરિવાર ઉનાના દહેલણ ગામના રહેવાસી હતા. જે પંજાબના માહિલપુરમાં લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન પંજાબ-હિમાચલ બોર્ડર પર જેજો નદી જોરદાર પ્રવાહમાં તેમની કાર તણાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને સ્થાનિક લોકો તેને બચાવવા દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: હું ભાજપમુક્ત 'રામ' ઈચ્છું છું, ફક્ત 3 મહિના રાહ જુઓ..', પૂર્વ CM અને કદાવર નેતાનું મોટું નિવેદન
સ્થાનિક લોકોની મદદથી વહીવટી ટીમે એક પછી એક છ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પરંતુ અન્ય ચાર લોકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત સમયે કારમાં 11 લોકો સવાર હતા.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે 280થી વધુ રસ્તાઓ બંધ છે. બીજી તરફ કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં 31મી જુલાઈના રોજ આવેલા અચાનક પૂરમાં ગુમ થયેલા લગભગ 30 લોકોને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી. અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે.