Get The App

હિમાચલમાં કોંગ્રેસનું સંકટ ટળ્યું, સીએમ સુક્ખુ જ રહેશે, છ સભ્યની સંકલન સમિતિની જાહેરાત

હિમાચલમાં કોંગ્રેસની સરકાર પર ત્રણ દિવસથી ચાલી રહેલા સંકટનો આજે અંત આવ્યો

શિવકુમાર-હુડ્ડાએ હિમાચલમાં જઈ CM, પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્યોને મળી આંતરિક વિવાદ ઉકેલ્યો

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
હિમાચલમાં કોંગ્રેસનું સંકટ ટળ્યું, સીએમ સુક્ખુ જ રહેશે, છ સભ્યની સંકલન સમિતિની જાહેરાત 1 - image


Himachal Political Crisis : હિમાચલમાં કોંગ્રેસની સરકાર પર ત્રણ દિવસથી ચાલી રહેલા સંકટનો આજે અંત આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં છ ધારાસભ્યોની બળવાખોરીની ઘટના બાદ કોંગ્રેસની સરકાર પડી ભાંગવાની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે આજે કોંગ્રેસે (Congress) સ્પષ્ટ કહ્યું છે કે, રાજ્યમાં સુખવિંદર સિંહ સુક્ખૂ (CM Sukhvinder Singh Sukhu) જ મુખ્યમંત્રી રહેશે. આ દરમિયાન એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે, બળવાખોર ધારાસભ્યો પક્ષપલટો કરી કોંગ્રેસની સરકાર ઉથલાવી શકે છે. જોકે કોંગ્રેસની ફરિયાદ બાદ રાજ્યપાલે આ ધારાસભ્યો અયોગ્ય જાહેર કરી દેતા પક્ષપલટાની આશંકા દુર થઈ ગઈ છે.

શિવકુમાર-હુડ્ડાએ હિમાચલમાં રાજકીય મતભેદ ઉકેલ્યો

હિમાચલમાં રાજકીય સંકટ આવી ચઢતા કોંગ્રેસે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર (DK Shivkumar) અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાને પ્રભારી બનાવી મોકલ્યા હતા. શિવકુમારે આજે એક પ્રેસકોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘અમારા મુખ્યમંત્રીએ ચૂંટણીમાં નિષ્ફળતા થઈ હોવાનો સ્વિકાર કર્યો છે, પરંતુ હવે આગામી સમયમાં આવો વિવાદ નહીં જોવા મળે. અમે તમામ ધારાસભ્યો સાથે વ્યક્તિગત વાતચીત કરી છે. અમે પીસીસી અધ્યક્ષ પ્રતિભા સિંઘ (Pratibha Singh) અને મુખ્યમંત્રી સાથે પણ વાત કરી છે. ત્યારબાદ તમામ વચ્ચેનો મતભેદ ઉકેલી દેવાયો છે. તેઓ મળીને કામ કરશે. અમે પાર્ટી અને સરકાર વચ્ચે પાંચથી છ સભ્યોની એક સમન્વય સમિતિની રચના કરીશું. તેઓ પાર્ટી અને સરકારના બચાવવા મળીને કામ કરશે.’

કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો અયોગ્ય જાહેર

આ અગાઉ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યને અયોગ્ય જાહેર કરી દીધા છે. આ ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસે આ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવાનું એવું કારણ રજુ કર્યું હતું કે, તેમણે નાણાંકીય વિધેયક મામલે સરકારના પક્ષમાં મતદાન કરવાના પાર્ટી વ્હિપની પણ અવગણના કરી હતી, તેથી તેમને વિધાનસભા બજેટમાં મતદાન કરવાથી પણ દૂર કરી દેવાયા હતા.

ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું

વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે, ‘આ છ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવે છે અને તેમને હિમાચલ પ્રદેશ વિધાનસભાના સભ્ય પદેથી તાત્કાલીક હટાવવામાં આવે છે. આ ધારાસભ્યોએ મંગળવારે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું અને ત્યારબાદ તેઓ વિધાનસભા બજેટના મતદાનમાં પણ ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનિય છે કે, હિમાચલ વિધાનસભામાં કુલ 68 સભ્યો છે, જેમાંથી કોંગ્રેસના 40, ભાજપના 25 અને અપક્ષના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસનું સંકટ ટળ્યું

ઉલ્લેખનિય છે કે, હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપને જીતાડ્યા બાદ એવી વાતો વહેતી થઈ હતી કે, આ ધારાસભ્યો પક્ષ પલટો કરી કોંગ્રેસની સરકાર ઉથલાવી શકે છે. જોકે કોંગ્રેસે પણ આ ધારાસભ્યો સામે તુરંત કાર્યવાહી કરી પક્ષમાંથી બરતરફ કરી દીધા હતા. ત્યારબાદ રાજ્યપાલે પણ આ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરતા કોંગ્રેસ પર પક્ષપલટાનું અને સરકાર પડી ભાંગવાનું સંકટ ટળી કહ્યું હતું.


Google NewsGoogle News