VIDEO: કંગનાની રેલીમાં પથ્થરમારો, એક્ટ્રેસ વિરૂદ્ધ કોંગ્રેસ ઉમેદવારનું વિવાદાસ્પદ નિવેદન
Himachal Pradesh Lok Sabha Elections 2024 : હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરની ભાજપ ઉમેદવાર કંગના રનૌત (Kangana Ranaut)ના કાફલા પર પથ્થમારો થયા બાદ રાજ્યનું રાજકારણ ભડકે બડ્યું છે. આ મુદ્દે ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત કંગનાએ પણ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા છે. બીજીતરફ કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહે (Vikramaditya Singh) કંગનાને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે સોમવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, ‘કંગના જે મંદિરોમાં જઈ રહી છે, તેની સફાઈ કરવામાં આવશે.’
કંગનાએ પરિવારવાદનો મુદ્દો ઉઠાવતા ભડકી કોંગ્રેસ
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘કંગના અમારા પરિવાર પર આક્ષેપ કરવાના બદલે મોદીને ખુરશી છોડવાનું બોલે.’ ઉલ્લેખનીય છે કે, કંગના રનૌત પરિવારવાદનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસ પર સતત આકરા પ્રહારો કરતી રહે છે, જેના કારણે બંને પક્ષો એકબીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.
કંગનાના કાફલા પર પથ્થરમારો
કંગના રનૌતને સોમવારે લાહૌલ-સ્પીતિના કાઝામાં સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાળા ઝંડા બતાવાયા હતા. ત્યારબાદ ભાજપે આક્ષેપ કર્યો છે કે, તેમના કાફલા પર પથ્થરમારો કરાયો હતો. હિમાચલ પ્રદેશ ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે, કાઝાના લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા કંગના રનૌતની રેલી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
અમારા વાહન પર હુમલો કરાયો : કંગના
પથ્થરમારાની ઘટના અંગે કંગનાએ કહ્યું કે, ‘અમારા વાહન પર હુમલો કરાયો. કોંગ્રેસે હિંસક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેઓ જાણી ગયા છે કે, તેમના હાથમાંથી બેઠક જતી રહી છે, તેથી તેઓ આવું કરી રહ્યા છે. અમારા બે કાર્યકર્તાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેઓ આટલી હદે જઈ શકે છે, તે જોઈ હું દુઃખી થઈ છું.’