હિમાચલમાં કુકુમસેરી માઈનસ 14.2 ડિગ્રીએ થીજ્યું, કાશ્મીરના ગુલમર્ગનું તાપમાન માઈનસ 12 ડિગ્રી
જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરી માસ 43 વર્ષમાં સૌથી ગરમ રહ્યો : ઉત્તર ભારતમાં ઠંડો પવન ફૂંકાતા હાડગાળતી ઠંડી
નવી દિલ્હી : હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર-ઉત્તરાખંડમાં હાડગાળતી ઠંડીનો અનુભવ થયો હતો. હિમાચલ પ્રદેશના કુકુમસેરમાં ઠંડીનો રેકોર્ડ તોડયો હતો અને તાપમાનનો પારો ગગડીને માઈનસ 14.2 ડિગ્રીએ પહોંચી ગયો હતો. હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાના કારણે છેલ્લાં બે દિવસમાં 200 રોડ બંધ થઈ જતાં વાહન-વ્યવહાર ખોરવાઈ ગયો છે. એ માર્ગોને ખોલવા માટે કામ શરૂ કરાયું હતું. આખાય રાજ્યના કેટલાય વિસ્તારોમાં ઠંડી માઈનસમાં નોંધાઈ હતી. નદી, તળાવ સહિત બધા જળસ્ત્રોતો બરફમાં ફેરવાઈ ગયા છે.
કાશ્મીરમાં પણ ઠંડીની એવી જ સ્થિતિ હતી. ગુલમર્ગ માઈનસ 12 ડિગ્રી સાથે સૌથી ઠંડું સ્થળ રહ્યું હતું. પહલગામનું તાપમાન પણ માઈનસ 11.9 ડિગ્રીએ ગગડી ગયું હતું. કાશ્મીરમાં સંખ્યાબંધ સ્થળોનું તાપમાન માઈનસમાં રહેતા જનજીવનને અસર થઈ હતી. કોકણનાગનું તાપમાન માઈનસ 4.5, શ્રીનગરનું તાપમાન માઈનસ 5.2 ડિગ્રીએ રહ્યું હતું. કાશ્મીર ઘાટીમાં અત્યારે ચિલાઈ ખુર્દ યાને સ્મોલ કોલ્ડનો સમય ચાલી રહ્યો હોવાથી 20 દિવસ ઠંડીનું મોજું યથાવત રહે તેવી શક્યતા છે. સોનમર્ગમાં શ્રીનગર-લેહ હાઈવે નજીક હિમપ્રપાત થયો હતો. બીજી તરફ હવામાન વિભાગના આંકડાં પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં જાન્યુઆરી મહિનો છેલ્લાં 43 માસમાં સૌથી ગરમ રહ્યો હતો. સામાન્ય રીતે જાન્યુઆરી માસમાં જેટલી બરફવર્ષા થતી હોય છે એનાથી આ વર્ષે ઓછી થઈ હતી. શ્રીનગરમાં જાન્યુઆરી માસમાં માત્ર ત્રણ મિલિમીટર બરફ પડયો હતો.
દરમિયાન ઉત્તર ભારતમાં કાતિલ પવન ફૂંકાતા ઘણાં રાજ્યોમાં હાડગાળતી ઠંડીનો અનુભવ થયો હતો. પહાડી વિસ્તારોમાં કોલ્ડવેવની સીધી અસર મેદાની વિસ્તારોમાં પડી હતી. રાજસ્થાનથી બિહાર સુધી ઠંડો પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થયો હતો. દિલ્હીમાં ઠંડો વાયરો ફૂંકાયો હતો. ઉત્તર પ્રદેશમાં નવેસરથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ઉત્તરાખંડમાં શીતલહેરની સ્થિતિ યથાવત રહેવા છતાં કેટલાક વિસ્તારોમાં રાહત જોવા મળી હતી. પંજાબ-હરિયાણામાં તાપમાનનો પારો ઝડપભેર ગગડયો હતો અને તેની સીધી અસર જનજીવન પર પડી હતી. પંજાબ-હરિયાણાના સંયુક્ત પાટનગર ચંડીગઢમાં સાત ડિગ્રી સુધી તાપમાનનો પાડો નીચે આવ્યો હતો. પંજાબના અમૃતસરમાં ૪ ડિગ્રી, પઠાણકોટમાં 3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.