24 જાન્યુઆરીથી બદલાઈ જશે હાઇવેના નિયમ, કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન
New Highways Rules: નવા વર્ષની શરુઆત સાથે જ કેન્દ્ર સરકારે હાઇવે અને એક્સપ્રેસ વે પર સાઇન બોર્ડ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. આ ગાઇડલાઇન 24 જાન્યુઆરીથી અમલમાં આવશે, તેનો ઉદ્દેશ્ય માર્ગ વપરાશકર્તાઓને સ્પષ્ટ, પ્રમાણિત અને સમયસર માહિતી પ્રદાન કરવાનો છે. આ ફેરફારો દ્વારા વધી રહેલા અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિકને વધુ વ્યવસ્થિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્પીડ લિમિટ અને ચેતવણી સાઇન બોર્ડ
નવી વ્યવસ્થા હેઠળ રમ્બલ સ્ટ્રિપ્સ જેવા સંભવિત ખતરનાક સ્થળો પહેલાં સાઇન બોર્ડ મૂકવામાં આવશે, જેથી ડ્રાયવરોને પોતાની સ્પીડ કંટ્રોલ કરવાનો સમય મળી શકે. સ્પીડ લિમીટની જાણકારી દર પાંચ કિલોમીટરના અંતર પર સાઇન બોર્ડ દ્વારા આપવામાં આવશે. આ બોર્ડને એવી રીતે જ ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી ડ્રાયવરો તેને સરળતાથી વાંચી અને સમજી શકે.
આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પના ઘરની નજીક રહેવા માટે એક રાતના 1.71 લાખ રૂપિયા ચૂકવે છે ઇલોન મસ્ક
સાઇન બોર્ડની એકરૂપતા વધશે
માર્ગ પરિવહન મંત્રાલયે સાઇન બોર્ડ પર વપરાતા અક્ષરો અને સંખ્યાઓના કદ અને રંગને પ્રમાણિત કર્યા છે. આ પગલાંથી સાઇન બોર્ડની એકરૂપતા વધશે અને તેમને સમજવામાં સરળ રહેશે. તેમજ એક જ બોર્ડ પર જુદા જુદા વાહનોની સ્પીડ લિમિટ સ્પષ્ટ રીતે દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
નો પાર્કિંગ અને રાહદારી સુરક્ષા
અકસ્માતો અને ટ્રાફિક જામ ઘટાડવા દર પાંચ કિલોમીટરે 'નો પાર્કિંગ' બોર્ડ લગાવવામાં આવશે. આ ઉપરાંત રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ક્રોસિંગ અંગે આગોતરી માહિતી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.