વૃદ્ધ માતાને ભરણપોષણ ન આપવા પુત્રની અરજી, હાઇકોર્ટે દંડ ફટકારતાં કહ્યું- ખરેખર કળિયુગ છે
Punjab And Haryana High Court: પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક નિર્ણયમાં પુત્ર દ્વારા પોતાની 77 વર્ષીય માતા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી છે અને દંડ પણ ફટકાર્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે, 'આપણા સમાજમાં કળિયુગનું આ એક મોટું ઉદાહરણ છે, જ્યાં એક પુત્ર તેની વૃદ્ધ માતાને ભરણપોષણ ભથ્થું ચૂકવવાનું ટાળવા માટે કોર્ટમાં આવ્યો હતો'
કોર્ટે કહ્યું કે આ અરજી માત્ર પાયાવિહોણી નથી પણ તે ન્યાય વ્યવસ્થાના દુરુપયોગનો પણ મામલો છે. ભરણપોષણ માટે ઓર્ડર કરાયેલ 5 હજાર રૂપિયાની રકમ પણ ઘણી ઓછી છે, પરંતુ માતા તરફથી વધારાની કોઈ અપીલ મળી નથી, તેથી તેમાં વધારો કરી શકાતો નથી.' ન્યાયાધીશ જસગુરપ્રીત સિંહ પુરીએ અરજદાર સિકંદર સિંહ પર 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો અને તેમને ત્રણ મહિનાની અંદર સંગરુરની ફેમિલી કોર્ટમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉલટફેરના એંધાણ! સામનામાં ફડણવીસના વખાણ, શિંદે કરશે બળવો?
અરજદારે કોર્ટમાં શું કહ્યું?
અરજદારે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે, 'મે મારી માતાને પહેલાથી જ 1 લાખ રૂપિયા આપી દીધા છે, જેનાથી તેના ભરણપોષણ ભથ્થુ પૂર્ણ થઈ ગયું છે. મારી માતા બહેન સાથે રહે છે અને તેની પાસે રહેવા માટે અલગ જગ્યા છે, તેથી ભરણપોષણ આપવાની કોઈ જરૂર નથી.'
અરજદારની માતા સુરજીત કૌરે દલીલ કરી હતી કે, 'હું 77 વર્ષની વિધવા છું અને મારી પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. મારા પતિના નામે 50 વીઘા જમીન હતી, જે તેમના મૃત્યુ પછી પુત્રને મળી છે.'
સિકંદર સિંહ અને તેમના સ્વર્ગસ્થ ભાઈ સુરિંદર સિંહના બાળકો જ મિલકતના માલિક છે, પરંતુ માતા સુરજીત કૌરને કોઈપણ જમીન કે મિલકતમાં કોઈ હિસ્સો મળ્યો નથી. તેમના પુત્રો પર તેમની સંભાળ રાખવાની જવાબદારી હતી, પરંતુ પુત્રો તેમની જવાબદારીથી ભાગી ગયા અને તેમને છોડી દીધા. આ પછી વૃદ્ધાને તેની પુત્રી સાથે રહેવું પડે છે.