'વ્યાસજી ભોંયરામાં પૂજા કરવા પર પ્રતિબંધ નહીં', જ્ઞાનવાપી મામલે હાઈકોર્ટનો નિર્ણય અનામત
હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી હતી
Gyanvapi Case: વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા પાઠ કરવા મામલે અલ્હાબાદ હાઈકોર્ટના આજે સુનાવણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથને દલીલ કરી હતી. તેમણે કહ્યું કે, 'જ્ઞાનવાપીની જમણી બાજુએ ભોંયરું આવેલું છે જ્યાં વર્ષ 1993 સુધી હિન્દુઓ પૂજા કરતા હતા. ઓર્ડર 40 નિયમ 1 સીપીસી હેઠળ, વારાણસી કોર્ટે ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કર્યા. આ નિર્ણય મુસ્લિમોના અધિકારોને કોઈપણ રીતે અસર કરતું નથી કારણ કે મુસ્લિમોએ ક્યારેય ભોંયરામાં નમાઝ અદા કરી નથી.'
મુસ્લિમ પક્ષે આ દલીલ રજૂ કરી
અલ્હાબાદ હાઈકોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ સૈયદ ફરમાન અહેમદ નકવીએ કહ્યું કે, 'હિન્દુ પક્ષ દ્વારા 151, 152 સીપીસી યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યા નથી. ડીએમને રીસીવર તરીકે નિયુક્ત કરવાથી વાસ્તવમાં હિતોનો વિરોધાભાસ ઊભો કર્યો છે. જિલ્લા ન્યાયાધીશના આદેશમાં મોટી ખામી છે. તેમણે પોતાની વિવેકબુદ્ધિ વાપરવી જોઈતી હતી. વ્યાસ પરિવારે તેમના પૂજાના અધિકારો કાશી વિશ્વનાથ ટ્રસ્ટને ટ્રાન્સફર કર્યા હતા, તેથી તેમની પાસે અરજી દાખલ કરવાનો કોઈ અધિકાર નહોતો.'
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ કેસની સુનાવણી 15મી ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવામાં આવી હતી. 31મી જાન્યુઆરીએ જિલ્લા ન્યાયાધીશ વારાણસીએ જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી છે. અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ આ નિર્ણય વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ પણ વાંચો : જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરાનો શું છે ઈતિહાસ?