સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય, જિલ્લા કોર્ટની સુનાવણી પર લગાવી રોક
Allahabad High Court Big Decision On Jama Masjid: સંભલ મંદિર-મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે મોટો નિર્ણય લીધો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના સંભલમાં ચાલી રહેલા મંદિર-મસ્જિદ વિવાદ કેસની સુનાવણી પર જિલ્લા કોર્ટની સુનાવણી પર રોક લગાવી છે. હાઈકોર્ટ આ મામલે 25 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી કરશે. અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની ઈંતજામિયા કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આ સ્ટે લગાવ્યો છે. બુધવારે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેંચે કરી હતી.
ઈંતજામિયા કમિટીએ દાખલ કરી હતી અરજી
સંભલની જામા મસ્જિદ અંગે ઈંતજામિયા કમિટી દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં જિલ્લા અદાલતમાં ચાલી રહેલી સુનાવણી પર રોક લગાવવાની માગ કરવામાં આવી હતી. સંભલની જિલ્લા કોર્ટમાં 19 નવેમ્બરના રોજ હરિશંકર જૈન અને અન્ય દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ અરજીમાં શાહી જામા મસ્જિદના સ્થાન પર પૂર્વમાં મંદિર હોવાનું જણાવ્યું હતું. આ મામલે જિલ્લા કોર્ટે સર્વેનો આદેશ આપ્યો હતો. તેનો સર્વે રિપોર્ટ નિચલી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે.
સંભલ સર્વે રિપોર્ટમાં શું સામે આવ્યું?
મીડિયા રિપોર્ટસ પ્રમાણે સર્વે રિપોર્ટમાં હિન્દુ ધર્મ સાથે જોડાયેલા 50થી વધુ ફૂલોના નિશાનનો ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત બે વટવૃક્ષ પણ મળી આવ્યા છે. મસ્જિદમાં કૂવો હોવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવે કારણ કે આ તમામ પુરાવા હિંદુ ધર્મ સાથે સંબંધિત છે, તેથી જ કહેવામાં આવે છે કે આ મસ્જિદ પહેલા અહીં મંદિર હતું. સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે, જૂના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નવા બાંધકામના કેટલાક પુરાવા પણ મળી આવ્યા છે.
આ પણ વાંચો: કેજરીવાલની એક જાહેરાતથી ભાજપને મોટો ઝટકો, મંદિરોના 100 વધુ ધર્મગુરૂ AAPમાં જોડાયા
સર્વે રિપોર્ટમાં મસ્જિદમાં લગાવવામાં આવેલા મોટા ઝુમ્મર અંગે પણ દાવો કરવામાં આવ્યો છે. એવો તર્ક આપવામાં આવ્યો છે કે, હકીકતમાં મંદિરોમાં ઘંટ એ જ સાંકળથી બાંધવામાં આવતા હતા છે જેના પર અત્યારે ઝુમ્મર લટકે છે.
રાજકીય રૂપે પણ મહત્ત્વપૂર્ણ છે સંભલ
ધાર્મિક મહત્વ ઉપરાંત સંભલ અને તેની આસપાસના વિસ્તારો ભાજપ માટે રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે. 2014ની લોકસભા ચૂંટણીને બાદ કરતાં ભાજપને અહીં કંઈ ખાસ સફળતા નથી મળી. અહીંથી સપા અને બસપાને સફળતા મળી છે. વર્ષ 1998 અને 1999માં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ પોતે અહીંથી જીત્યા હતા અને વર્ષ 2004માં રામ ગોપાલ યાદવ અહીંથી સંસદમાં પહોંચ્યા હતા.