રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં... કેન્દ્ર સરકાર 10 દિવસમાં જવાબ આપે : હાઇકોર્ટ
Rahul Gandhi's Citizenship Controversy : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતાને પડકારતી અરજી પર સોમવારે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં હાઇકોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ અહેવાલ રજૂ કરવા કડક સૂચના આપી છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું છે કે, રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં. કેસની આગામી સુનાવણી 5 મેએ હાથ ધરવાનો આદેશ અપાયો છે.
રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ જવાબ રજૂ કરવા કેન્દ્રને આદેશ
કર્ણાટકના એસ.વિગ્નેશ શિશિર દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર જસ્ટિસ એઆર મસૂદી અને જસ્ટિસ રાજીવ સિંહની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટે સરકારના રિપોર્ટને અપૂરતો માન્યો છે અને સરકારને વધુ સ્પષ્ટ જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
અરજદારની ફરિયાદ પર નિર્ણય લેવા સમય આપો : કેન્દ્ર સરકાર
અગાઉની સુનાવણી દરમિયાન ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ. બી. પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે, અરજદારની ફરિયાદ અમે કાર્યવાહી શરુ કરી દીધી છે અને સંબંધિત મંત્રાલયે બ્રિટિશ સરકારને પત્ર લખી રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા વિશે વિગતો માંગવામાં આવી છે. આ જ કારણે કેન્દ્ર સરકારને ફરિયાદ પર નિર્ણય લેવા માટે સમયની જરૂર છે.
આ પણ વાંચો : ‘રાજ ઠાકરે બેવકૂફ નેતા નથી’ ઠાકરે બંધુ એક થવાની વાત સાંભળતા શિંદેના સાંસદ ભડક્યા
રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ : અરજીમાં દાવો
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાહુલ ગાંધીની નાગરિકતા શંકાસ્પદ છે, જેના આધારે તેમના લોકસભા સભ્યપદને પણ પડકારવામાં આવ્યો છે. બેન્ચે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને કેન્દ્ર સરકારને શક્ય તેટલી વહેલી તકે તથ્યો સાથે જવાબ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કેસ આ મામલો મહત્ત્વનો હોવાથી તેમાં વિલંબ અસ્વીકાર્ય છે.
કોંગ્રેસ પાર્ટીએ આ મામલાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું
અરજદારે દાવો કર્યો છે કે, રાહુલ ગાંધીની નાગરિકતા પર પ્રશ્નો ઉઠાવવાથી તેમના સંસદ સભ્યપદ પર અસર પડી શકે છે. અરજીમાં રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે તેમની લોકસભા સભ્યતા જોખમમાં મૂકાઈ શકે છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે આ વિપક્ષને નબળા પાડવાનો પ્રયાસ છે.