અબ્બાસ અંસારી પર NSAની કાર્યવાહી પર હાઈકોર્ટે યોગી સરકાર પાસે માંગ્યો જવાબ, 11 જાન્યુઆરી સુધીનો આપ્યો સમય
Image Source: Twitter
- આ કેસની સુનાવણી જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની ડિવિઝન બેંચમાં થઈ
પ્રયાગરાજ, તા. 09 ડિસેમ્બર 2023, શનિવાર
પૂર્વાંચલના માફિયા ડોન મુખ્તાક અંસારીના MLA પુત્ર અબ્બાસ અંસારીની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. આ દરમિયાન અબ્બાસ અંસારી વિરુદ્ધ કરવામાં આવેલી રાસુકાની કાર્યવાહી પર રાજ્ય સરકાર પાસે 11 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ અબ્બાસ અંસારીએ અરજી દાખલ કરીને રાસુકાની કાર્યવાહીને મનસ્વી ગણાવતા તેને રદ કરવાની માંગ કરી છે.
NSAની કાર્યવાહી વિરુદ્ધ અરજી દાખલ
અબ્બાસ અંસારી પર ચિત્રકૂટ જેલમાં બંધ હોવા દરમિયાન પૈસા અને રાજકીય પ્રભાવ અને જેલના કર્મચારીઓને ધમકી આપીને જેલ પ્રણાલી ને પોતાના નિયંત્રણમાં કરવાનો અને ગેરકાયદેસર નાણાંની વસૂલી કરવાનો આરોપ છે. એવો પણ આરોપ છે કે, તેણે જેલ કર્મચારીઓને ડરાવી ધમકાવીને જેલની વ્યવસ્થા બગાડી છે. અબ્બાસ અંસારીની પત્ની નિકહત અંસારી તેને મળવા માટે દરરોજ જેલમાં કોઈ પણ રોક-ટોક વગર આવતી હતી.
એસપીના રિપોર્ટ પર થઈ હતી NSAની કાર્યવાહી
અબ્બાસ અંસારી પર આરોપ છે કે, તેના ડરના કારણે અધિકારીઓ અને કર્મચારીઓ કંઈ નહોતા કરી શકતા. આ મામલે 10 ફેબ્રુઆરી 2023ના રોજ અબ્બાસ અંસારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ એસપીના રિપોર્ટ પર ડીએમએ અબ્બાસ અંસારી વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરી અને તેને રાસુકામાં અટકાયત કરવાનો આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ સામે આ અરજી દાખલ કરવામાં આવી છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અશ્વની કુમાર મિશ્રા અને જસ્ટિસ એસએએચ રિઝવીની ડિવિઝન બેંચમાં થઈ હતી.