બંગાળમાં ડોક્ટર પર રેપ-હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટનો આદેશ

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
બંગાળમાં ડોક્ટર પર રેપ-હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવા હાઈકોર્ટનો આદેશ 1 - image


- દેશભરમાં જુનિયર ડૉક્ટરો હડતાળ પર, ઓપીડી પણ બંધ રહી

- હોસ્પિટલ તંત્રે ગંભીર બેદરકારી દર્શાવી, શરીર પર ગંભીર ઈજાના નિશાન છતાં તાત્કાલિક તપાસ શરૂ કરાઈ નહીં : હાઈકોર્ટ

- હાઈકોર્ટે વિશેષ સત્તાનો ઉપયોગ કરી સીબીઆઈને તપાસ સોંપી, હોસ્પિટલના પ્રિન્સિપાલનું રાજીનામું લઈ લીધું

કોલકાતા/નવી દિલ્હી : કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસના વિરોધમાં સમગ્ર દેશમાં દેખાવો થઈ રહ્યા છે ત્યારે કલકત્તા હાઈકોર્ટે મંગળવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. આ સાથે હાઈકોર્ટે કહ્યું હતું કે હોસ્પિટલ તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને ઘટનાના પાંચ દિવસ પછી પણ તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જોવા મળ્યું નથી. આ સાથે કલકત્તા હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને તાત્કાલિક અસરથી લાંબી રજા પર મોકલી દીધા હતા. વધુમાં બળાત્કાર-હત્યાની આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં ડૉક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે.

કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવાંગનનમના અધ્યક્ષપદે ખંડપીઠે તાલિમી ડોક્ટરોના માતા-પિતાઓ દ્વારા દાખલ અરજીની સુનાવણી કરતાં બેન્ચે જણાવ્યું કે, મહિલા જુનિયર ડૉક્ટરના શરીર પર જે પ્રકારની ગંભીર ઈજાના નિશાન છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે હોસ્પિટલ તંત્રને ખબર હતી કે શું ઘટના થઈ છે તેમ છતાં તેણે ગંભીર બેદરકારી દર્શાવી છે. મૃતકના પરિવારજનો એવી એજન્સી મારફત તપાસ ઈચ્છે છે, જેમાં કોઈ ચેડાંની શક્યતા ના હોય.

મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવાંગનનમના અધ્યક્ષપદે વિભાગીય ખંડપીઠે કોલકાતા પોલીસને મંગળવારે સાંજ સુધીમાં કેસ ડાયરી કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવા અને બુધવારે સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં આ કેસ સંબંધિત બધા જ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે હાઈકોર્ટે આંદોલન કરી રહેલા ડૉક્ટરોને તેમની હડતાળ બંધ કરવા અને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવારની તેમની ફરજ નિભાવવા જણાવ્યું હતું. હોસ્પિટલના કર્મચારીઓની પર્યાપ્ત સુરક્ષાની માગણી કરતા જુનિયર ડોક્ટરો અને ઈન્ટર્ન્સે મંગળવારે પણ હડતાળ ચાલુ રાખી હતી.

કલકત્તા હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના કેવી રાજેન્દ્રન કેસમાં અપાયેલા ચૂકાદાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દુર્લભતમ કેસોમાં કોર્ટ પણ કેસ ટ્રાન્સફર કરવાની તેમની શક્તિનો ઉપયોગ કરી શકે છે. હાઈકોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતે કહ્યું હતું કે પોલીસ રવિવાર સુધીમાં આ કેસની સંપૂર્ણ તપાસ પૂરી કરે અને ખુલાસો કરે. 

હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પણ ઝાટકણી કાઢી હતી. બેન્ચે કહ્યું કે, આટલી મોટી ઘટના પછી પણ તેઓ એક્ટિવ થયા નહીં. પ્રિન્સિપાલ ઘોષે તુરંત લાંબી રજા પર ઉતરી જવું જોઈએ અને તેમને આ કામથી અલગ રાખવા જોઈએ. આ માણસ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તપાસ પર અસર કરી શકે છે. બેન્ચે ત્યાં સુધી કહી દીધું કે પ્રિન્સિપાલ ઘોષ મંગળવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં રજા પર નહીં ઉતરે તો અમે તેમની હકાલપટ્ટી કરી દઈશું. હાઈકોર્ટના આદેશ પછી ડૉ. સંદીપ ઘોષે આરજી કર કોલેજના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, રાજ્ય સરકારે તુરંત જ તેમની નેશનલ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરી દીધી હતી.

સરકારના આ પગલાંની હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, રાજ્ય સરકારે કઈ પરિસ્થિતિમાં પ્રિન્સિપાલ જોડેથી રાજીનામું લેવાયું તે અંગે પણ વિચાર્યું નહીં. ડૉ. ઘોષે હાઈકોર્ટના આદેશ પછી પદ પરથી રાજીનામું આપ્યું તો તેમને બીજી કોલેજમાં જવાબદારી આપી દેવાઈ. જોકે, નેશનલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ તેમની નિમણૂક સામે વિરોધ નોંધાવ્યો હતો.


Google NewsGoogle News