કળયુગ આવી ગયો હોય તેવું લાગે છે વૃદ્ધોના ભરણપોષણ વિવાદ મુદ્દે હાઇકોર્ટ
- પાંચ હજાર રૂપિયાના ભરણપોષણ સામે પતિ હાઇકોર્ટ પહોંચ્યો
- 76 અને 80 વર્ષના દંપતિ વચ્ચે સંપત્તિનો વિવાદ, 2018માં બન્ને અલગ થયા પછી પત્નીએ ભરણપોષણ માગ્યું
અલ્લાહાબાદ : લગ્ન જીવનમાં ક્યારે છૂટા પડવાનું થાય તે નિશ્ચિત નથી હોતું, કોઇ એક વર્ષના લગ્ન જીવન બાદ છૂટા પડી જાય છે તો કોઇ વૃદ્ધાવસ્થામાં પણ છૂટા પડતા હોય છે. જ્યારે છૂટા પડે ત્યારે સંપત્તિ અને ભરણપોષણનો વિવાદ પણ ચર્ચામાં આવે છે. આવો જ એક વિવાદ અલ્લાહાબાદ હાઇકોર્ટ પહોંચ્યો હતો. હાઇકોર્ટમાં એક ૭૬ વર્ષીય વૃદ્ધ મહિલાએ પોતાના ૮૦ વર્ષના પતિ પાસેથી ભરણપોષણની માગણી કરી હતી. આ મામલાની સુનાવણી કરતા હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે લાગી રહ્યું છે કે ખરેખર કળયુગ આવી ગયો છે. આ સમગ્ર મામલો અલીગઢનો છે, અહીંયા એક ૮૦ વર્ષીય મુનેશ કુમાર ગુપ્તા સ્વાસ્થ્ય વિભાગમાં સુપરવાઇઝરની નોકરી કરીને નિવૃત્ત થયા હતા. તેમના ૭૬ વર્ષીય પત્ની ગાયત્રી દેવી અને મુનેશ કુમાર વચ્ચે સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો છે. મામલો પોલીસ સમક્ષ પહોંચી ગયો હતો. જે બાદ તેને પરિવાર પરામર્શ કેન્દ્ર સમક્ષ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો હતો. જોકે તેમ છતા વિવાદનો અંત ના આવતા બન્નેએ અલગ અલગ રહેવાનું નક્કી કર્યું હતું.
બાદમાં ગાયત્રી દેવી દ્વારા ફેેમેલી કોર્ટમાં અરજી દાખલ કરાઇ હતી અને એવી દલીલ કરી હતી કે પતિને ૩૫ હજાર રૂપિયા પેંશન મળે છે, મારા ભરણપોષણ માટે આ પેંશનમાંથી ૧૫ હજાર રૂપિયા આપવામાં આવે. જોકે ફેમેલી કોર્ટે ૧૬મી ફેબુ્રઆરીના રોજ પોતાના આદેશમાં પાંચ હજાર રૂપિયા ભરણપોષ આપવા પતિને કહ્યું હતું. માત્ર પાંચ હજાર રૂપિયાની રકમ આપવાના આદેશ સામે બાદમાં પતિએ ફેેમેલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેના પર હાલ સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટના ન્યાયાધીશ સૌરભ શ્યામ શમશેરીએ કહ્યું હતું કે લાગી રહ્યું છે કે કળયુગ આવી ગયો છે, આ પ્રકારની કાયદાકીય લડાઇઓ ચિંતાજનક છે. ન્યાયાધીશે પતિ-પત્નીને સલાહ આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. સાથે કહ્યું હતું કે આગામી સુનાવણી સુધીમાં બન્ને કોઇ રસ્તો કાઢશે તેવી આશા છે.