ફરજ પર ઊંઘતા પકડાયેલા કોન્સ્ટેબલને હાઈકોર્ટની રાહત, કહ્યું- કામ અને જીવન વચ્ચે સંતુલન જરૂરી
Image: Freepik
Karnataka High Court: ફરજ પર ઊંઘવાના કારણે સસ્પેન્ડ થયેલા એક કોન્સ્ટેબલને કર્ણાટક હાઈકોર્ટે રાહત આપી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ઊંઘ, કામ અને જીવનમાં સંતુલન ખૂબ જરૂરી છે. કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટના કોન્સ્ટેબલના અમુક વીડિયો વાઈરલ થયા હતાં, જેમાં તે ફરજ પર સૂતો નજર આવી રહ્યો છે. તેણે સસ્પેન્શન વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
અરજી પર જસ્ટિસ એમ. નાગપ્રસન્ન સુનાવણી કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે જ્યારે કોન્સ્ટેબલને લાંબા સમય સુધી નક્કી કરતાં વધુ કામ કરાવવામાં આવ્યું તો દરમિયાન તેને ઝોકું લેવા માટે દોષિ માની શકાય નહીં. સ્ટાફની અછતના કારણે કોન્સ્ટેબલ 8 ના બદલે 16 કલાકની શિફ્ટ કરી રહ્યો હતો. કોર્ટે તેને રાહત આપી છે અને સેવામાં પાછા ફરવા માટે આદેશ આપ્યા છે. સાથે જ સસ્પેન્શનના સમયગાળાની સેલેરી આપવા માટે પણ આદેશ આપ્યા છે.
જસ્ટિસ નાગપ્રસન્ને કહ્યું, 'જો કોઈ વ્યક્તિને તેની ક્ષમતા કરતાં વધુ કામ કરવા માટે કહી દેવામાં આવે તો ઘણી વખત શરીરને ઊંઘની જરૂર પડે છે. કેમ કે આજના સમયે ઊંઘ અને વર્ક લાઈફ બેલેન્સ ખૂબ જરૂરી છે. આજે એક કોન્સ્ટેબલ છે, કાલે કોઈ પણ હોઈ શકે છે. માણસને ઊંઘથી વંચિત રાખવામાં આવશે તો તે ગમે ત્યાં સૂઈ જશે.'
આ પણ વાંચો: યુપીમાં પત્નીથી કંટાળી IT મેનેજરે રડતાં રડતાં વીડિયો બનાવ્યો અને આત્મહત્યા કરી લીધી
કોર્ટે એ પણ કહ્યું, 'જો અરજીકર્તા ત્યારે ફરજ દરમિયાન સૂઈ જાત જ્યારે તેને એક જ શિફ્ટમાં કામ કરવાનું હોત તો આ ખોટું હોત. આ મામલે અરજીકર્તાને બ્રેક વિના 60 દિવસો સુધી 24 કલાકમાંથી 16 કલાક કામ કરાવવામાં આવ્યુ. કલમ 24 હેઠળ તમામને આરામનો અધિકાર છે, જેમાં કામ કરવાની મર્યાદા અને રજાઓ સામેલ છે. કોર્ટે કોન્સ્ટેબલના સસ્પેન્શનના આદેશને રદ કરી દીધો છે.
શું છે સમગ્ર કેસ?
33 વર્ષના ચંદ્રશેખરને જુલાઈ 2024માં સસ્પેન્ડ કરી દેવાયો હતો. તે એપ્રિલ 2024માં ડ્યૂટી દરમિયાન ઊંઘતો પકડાયો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો. તે બાદ કલ્યાણ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. હવે કોન્સ્ટેબલે કોર્ટને જણાવ્યું કે તેને ડબલ શિફ્ટમાં કામ કરાવવામાં આવી રહ્યું હતું, જેના કારણે તે થાકી ગયો હતો.
તેણે વિજિલન્સ રિપોર્ટનો પણ હવાલો આપ્યો અને જણાવ્યું કે જે ડેપોમાં તે કામ કરે છે, ત્યાં બે-ત્રણ કર્મચારીઓની અછત છે. સ્ટાફ રાખવાના બદલે મને વારંવાર ડબલ શિફ્ટ કરવા માટે કહેવામાં આવી રહ્યું હતું. હું ડોક્ટરે આપેલી દવા લઈને સૂઈ ગયો હતો.