ઝારખંડમાં ફરી રાજકીય હડકંપ! હેમંત સોરેનના ભાભી સીતા સોરેને JMMમાંથી આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાયા
Image Source: Facebook
રાંચી, તા. 19 માર્ચ 2024 મંગળવાર
ઝારખંડ મુક્તિ મોર્ચાના ધારાસભ્ય સીતા સોરેને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામુ આપી દીધુ છે. હવે તેમણે ભાજપનો હાથ પકડી લીધો છે. સીતા સોરેન ઝામુમો મુક્તિ મોર્ચાના પ્રમુખ રહી ચૂકેલા શિબૂ સોરેનના મોટા પુત્રવધૂ અને હેમંત સોરેનના ભાભી છે. તેઓ દુમકાની જામા વિધાનસભા બેઠકથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તેમણે આ સંબંધિત એક પત્ર લખ્યો છે અને આ પાર્ટી અધ્યક્ષ એટલે કે પોતાના સસરા શિબૂ સોરેનને મોકલ્યો છે. સીતા સોરેને કહ્યું કે, 'મારા અને મારા પરિવાર વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. સીતા સોરેને કહ્યુ, હુ ઝારખંડ મુક્તિ મોર્ચાની કેન્દ્રીય મહાસચિવ અને સક્રિય સભ્ય છુ. વર્તમાનમાં પાર્ટીની ધારાસભ્ય છુ. અત્યંત દુ:ખી હૃદય સાથે પોતાનુ રાજીનામુ આપી રહી છું.'
સીતા સોરેને કહ્યું, 'મારા સ્વર્ગીય પતિ દુર્ગા સોરેન ઝારખંડ આંદોલનના અગ્રણી યોદ્ધા અને મહાન ક્રાંતિકારી હતા. તેમના નિધન બાદથી જ હુ અને મારો પરિવાર સતત ઉપેક્ષાનો શિકાર રહ્યા છે. પાર્ટી અને પરિવારના સભ્યો દ્વારા અમને અલગ કરવામાં આવ્યા છે. જે મારા માટે અત્યંત પીડાદાયક રહ્યુ છે. મે આશા કરી હતી કે સમયની સાથે સ્થિતિઓ સુધરશે પરંતુ દુર્ભાગ્યવશ આવુ થયુ નહીં. ઝારખંડ મુક્તિ મોર્ચાને મારા સ્વ. પતિએ પોતાના ત્યાગ અને સમર્પણ, નેતૃત્વ ક્ષમતાના બળ પર એક મહાન પાર્ટી બનાવી. આજે તે પાર્ટી રહી નહીં. મને એ જોઈને ખૂબ દુ:ખ થાય છે કે પાર્ટી હવે તે લોકોની હાથોમાં ચાલી ગઈ છે. જેમના દ્રષ્ટિકોણ અને હેતુ આપણા મૂલ્યો અને આદર્શોથી મેળ ખાતા નથી.'