'હાઈકોર્ટ જાઓ...', હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટથી ઝટકો, અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 02 ફેબ્રુઆરી 2024 શુક્રવાર
કથિત લેન્ડ સ્કેમ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા ધરપકડ કરાયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હેમંત સોરેનની અરજી પર સુનાવણીનો ઈનકાર કરી દીધો અને હાઈકોર્ટ જવાનું કહ્યુ.
ઉલ્લેખનીય છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ગુરુવારે એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા.
હેમંત સોરેનના વકીલને સુપ્રીમ કોર્ટે કહ્યુ કે તમે પહેલા હાઈકોર્ટ કેમ ના ગયા, સીધા સુપ્રીમ કોર્ટ આવી ગયા. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ એમ.એમ.સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ.ત્રિવેદીની બેન્ચે જેલમાં કેદ હેમંત સોરેનની અરજી પર શુક્રવારે સવારે 10.30 વાગે સુનાવણી કરી.
મની લોન્ડ્રિંગ મામલે ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડ વિરુદ્ધ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોર્ચાના નેતા હેમંત સોરેને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગુરુવારે 3 જજની એક વિશેષ બેન્ચની રચના કરવામાં આવી હતી. વિશેષ બેન્ચની રચના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ દ્વારા કરવામાં આવી.