'હું CM હતો, છું અને રહીશ...', ઝારખંડના મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે હેમંત સોરેન, ધારાસભ્યો સાથેની બેઠકમાં નિર્ણય
Jharkhand CM : ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાને બુધવારે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે કે, સોરેન હાલ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે, ઈડીની કાર્યવાહી વચ્ચે રાજ્યમાં સત્તાધારી ઝારખંડ મુક્તિ મોર્ચાના મુખ્યમંત્રી બદલાઈ શકે છે.
સોરેને વર્ષ 2019માં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારે હવે ઈડીના સમન્સ બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે હેમંત સોરેન પોતાની પત્ની કલ્પના સોરેનને નવા મુખ્યમંત્રી બનાવી શકે છે. પરંતુ હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, મુખ્યમંત્રી સોરેન હાલ પદ પર યથાવત્ રહેશે.
બેઠક બાદ હેમંત સોરેને કહ્યું કે, હું મુખ્યમંત્રી હતો, છું અને રહીશ. તો બીજી તરફ હાલ તમામ ધારાસભ્યોને રાંચીની આસપાસ રહેવા કહેવાયું છે. જો હેમંત સોરેનની ધરપકડ થાય તો પણ હેમંત સોરેન જ મુખ્યમંત્રી રહેશે તેવો ધારાસભ્યોની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
ધારાસભ્યો સાથે બેઠક પહેલા સોરેને કહ્યું હતું કે, 'મારી પત્ની વિધાનસભાની ચૂંટણી લડવાની સંભાવના, ભાજપની કલ્પના છે. ભાજપ ખોટી વાતો રજૂ કરી રહી છે કે હું સત્તા પોતાની પત્નીને સોંપી દઈશ.'
સૂત્રોનું કહેવું છે કે, આ બેઠકમાં કોઈપણ પ્રકારની સ્થિતિથી લડવાની રણનીતિ પર ચર્ચા થઈ. ધારાસભ્યોને કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહેવા અને એકજુટ રહેવા કહેવામાં આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયાની કોઈપણ અટકળોથી દૂર રહેવાની પણ સલાહ અપાઈ છે.
આ બેઠકમાં ઝારખંડ મુક્તિ મોર્ચાના 27, કોંગ્રેસના 15 અને આરજેડીના એક ધારાસભ્ય હાજર હતા. બેટકમાં કોંગ્રેસના બે ધારાસભ્ય અને જેએમએમના પણ બે ધારાસભ્યો હાજર ન રહ્યા.
મહત્વનું છે કે, હેમંત સોરેન પર ઈડીની કાર્યવાહી થવાની શક્યતાઓ છે. ઈડી હેમંત સોરેનને એક જમીન કરારથી જોડાયેલા મની લોન્ડ્રિંગ સંબંધિત કેસમાં પૂછપરછ કરવા માંગે છે. ઈડી તરફથી હેમંતને સાત સમન્સ મોકલાઈ ચૂક્યા છે. જેને ઈડીના અંતિમ સમન્સ ગણાવાયા છે. ત્યારે, હેમંત સોરેન સતત આ સમન્સને સ્કિપ કરતા આવી રહ્યા છે. કાયદાના જાણકાર કહે છે કે, ઈડી ઈચ્છે તો સોરેનને ઘરે આવીને પૂછપરછ કરી શકે છે અથવા ધરપકડ પણ કરી શકે છે.