જેલમાંથી છૂટ્યાં બાદ ફરી CM બન્યાં અને બહુમતી પણ સાબિત કરી, દિગ્ગજની તરફેણમાં 45 વોટ પડ્યાં

Updated: Jul 8th, 2024


Google NewsGoogle News
જેલમાંથી છૂટ્યાં બાદ ફરી CM બન્યાં અને બહુમતી પણ સાબિત કરી, દિગ્ગજની તરફેણમાં 45 વોટ  પડ્યાં 1 - image


Image: Facebook

Jharkhand Cabinet Expansion: ઝારખંડના સીએમ હેમંત સોરેને તેમના ત્રીજા કાર્યકાળ માટે બહુમતી સાબિત કરી દીધી છે. વિધાનસભામાં તેમની તરફેણમાં 45 વોટ પડ્યા હતા. હવે તેઓ પોતાના ત્રીજા કાર્યકાળમાં મંત્રીમંડળનો વિસ્તાર કરશે. આજે જ લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાજભવનમાં તેમના મંત્રીઓ શપથ લેશે. રાજભવનના બિરસા મંડપમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન હેમંત સોરેનના મંત્રીમંડળમાં કયા મંત્રીઓને સ્થાન મળશે તેને લઇને પણ અટકળો શરૂ થઇ ગઇ છે. 

રવિવારે સીએમ હેમંત સોરેનની અધ્યક્ષતામાં સત્તાપક્ષના ધારાસભ્યોની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સોમવારે વિધાનસભાના વિશેષ સત્રને લઈને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને આગામી રણનીતિ ઘડવામાં આવી હતી. જમીન કૌભાંડ મામલે જામીન પર મુક્ત થયા બાદ હેમંત સોરેન ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે અને ગુરુવારે તેમણે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.

જોકે તે દિવસે જ તેમની સાથે મંત્રીઓના શપથ લેવાની વાત કહેવામાં આવી હતી પરંતુ બાદમાં હેમંત સોરેને એકલા સીએમ પદના શપથ લીધા હતાં. ચંપઈ સોરેને સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું અને હેમંત સોરેનને મહાગઠબંધને સર્વસંમતિથી પોતાના નેતા પસંદ કર્યા હતા. 

હેમંત સોરેનને વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડશે નહી 

સીએમ હેમંત સોરેન સોમવારે સૌથી પહેલા વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટે પ્રસ્તાવ રજૂ કરશે. રાજકીય જાણકારોનું કહેવું છે કે વિશ્વાસ મત પ્રાપ્ત કરવામાં હેમંત સોરેનને મુશ્કેલી પડશે નહીં, કેમ કે મહાગઠબંધનની પાસે પૂરતી સંખ્યામાં સંખ્યાબળ છે. ઝારખંડમાં હાલ ધારાસભ્યોની કુલ સંખ્યા 76 છે. હેમંત સોરેનને વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટે 39 ધારાસભ્યોની જરૂર પડશે. હેમંત સોરેનના પક્ષમાં 44 ધારાસભ્ય છે. ધારાસભ્યોએ હેમંત સોરેનને સમર્થન આપવાનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો.

આ લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે

વિધાનસભામાં વિશ્વાસ મત પ્રાપ્ત કર્યાં બાદ રાજભવનમાં કેબિનેટનું વિસ્તરણ થશે. જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે તેમને રાજ્યપાલ મંત્રી પદના શપથ ગ્રહણ કરાવશે. ધારાસભ્ય ઈરફાન અંસારીને કોંગ્રેસ કોટાથી મંત્રી બનાવી શકાય છે. આ સાથે જ સીએમના પત્ની કલ્પના સોરેનને પણ મંત્રીમંડળમાં સામેલ કરવાની અટકળો લગાવવામાં રહી છે.

ટેન્ડર કૌભાંડ બાદ કોંગ્રેસ કોટેના મંત્રી આલમગીરે રાજીનામું આપી દીધું હતું. આ કારણે કોંગ્રેસ કોટાથી માત્ર ત્રણ જ મંત્રી વધ્યા છે. દરમિયાન એ અટકળો લગાવાઈ રહી છે કે ઈરફાન અંસારીને મંત્રી બનાવવામાં આવી શકે છે. કેમ કે તે કોંગ્રેસનો એકમાત્ર લઘુમતી ચહેરો છે.

ઝામુમોના કોટાથી કલ્પના સોરેન, બસંત સોરેન, હફીજુલ અંસારી, મિથિલેશ ઠાકુર, બેબી દેવી અને દીપક બિરુઆને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. વિધાનસભા ચૂંટણી પહેલા જાતીય સમીકરણ સાધવા માટે અનુસૂચિત જાતિના બૈદ્યનાથ રામને પણ મંત્રી બનાવી શકાય છે. આ સિવાય રાજદના ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાને પણ મંત્રીમંડળમાં સામેલ કરી શકાય છે.


Google NewsGoogle News