ચોથીવાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હેમંત સોરેન, શપથ સમારોહમાં 'INDIA' બ્લોકના દિગ્ગજો રહ્યા હાજર
Jharkhand New CM Hemant Soren: ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ની આગેવાની વાળા ઈન્ડિયા બ્લોકને મોટી જીત મળી હતી. ચૂંટણી પરિણામો આવવાને પાંચ દિવસ થયા છે અને ઝારખંડને હવે નવી સરકાર મળી ગઈ છે. રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી નિયુક્ત કર્યા છે. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં ઝારખંડના 14માં મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા.
રાજ્યપાલ સંતોષ ગંગવારે હેમંત સોરેનને પદ અને ગોપનિયતાના શપથ અપાવ્યા. હેમંત સોરેન ચોથીવાર ઝારખંડના મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રીની સાથે 6 થી 8 મંત્રીઓના પણ શપથ લેવાની ચર્ચા હતી, પરંતુ એવું થયું નહીં. રાંચીના મોરહાબાદી મેદાનમાં મુખ્યમંત્રીની સાથે કોઈ મંત્રીએ શપથ ન લીધા. હેમંતના શપથ ગ્રહણમાં તેમના પિતા અને ત્રીજી વખતના પૂર્વ મુખ્યમંત્રી શિબૂ સોરેન પણ હાજર રહ્યા.
હેમંત સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 'INDIA' બ્લોકના નેતાઓ પહોંચ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં JMM, કોંગ્રેસ, આરજેડી અને લેફ્ટની સાથે ગઠબંધન કરીને મેદાનમાં ઉતર્યા હતા. JMMની આગેવાની વાળા ગઠબંધનને 56 બેઠકો પર જીત મળી હતી. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 સભ્યો છે અને બહુમતી માટે 41 બેઠકો જરૂરી છે. ત્યારે 'INDIA' બ્લોકનો નંબર બહુમતી માટે જરૂરી આંકડા કરતા પણ 15 વધુ છે. JMMને એકલાને 34 બેઠકો મળી છે, કોંગ્રેસને 16, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ને ચાર, લેફ્ટને બે બેઠકો પર જીત મળી હતી.