પાંચ મહિને હેમંત સોરેનનો જામીન પર છૂટકારો, જેલ બહાર ભવ્ય સ્વાગત
- પ્રથમ દ્રષ્ટીએ સોરેને અપરાધ કર્યો હોવાનું નથી જણાતું : ઝારખંડ હાઇકોર્ટ
- સરકાર સામે ઉઠતા અવાજને કચડવામાં આવી રહ્યો છે, કેજરીવાલને મુખ્યમંત્રી હોવા છતા જેલમાં ધકેલી દેવાયા : સોરેન
- જમીન કૌભાંડના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ જાન્યુઆરીમાં ઝારખંડના પૂર્વ સીએમની ધરપકડ કરી હતી
- પત્ની કલ્પના સોરેન, બંગાળના મુખ્યમંત્રી મમતાએ સોરેનના છૂટવા પર ન્યાયપાલિકાનો આભાર માન્યો હતો
રાંચી : ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. ઝારખંડ હાઇકોર્ટે હેમંત સોરેનને ઇડીના લેન્ડ સ્કેમ કેસમાં જામીન પર છોડયા હતા. સાથે જ સોરેનને ૫૦ હજાર રૂપિયાના બોન્ડ પણ જમા કરવા માટે કહ્યું હતું. આ વર્ષે જાન્યુઆરીના અંતમાં હેમંત સોરેનની ઇડી દ્વારા ધરપકડ કરાઇ હતી. તેઓ આશરે પાંચ મહિના સુધી જેલમાં રહ્યા હતા. જામીન પર છોડતી વેળાએ હાઇકોર્ટે એ પણ નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટીએ હેમંત સોરેન દોષિત હોય તેમ નથી લાગી રહ્યું. તેથી તેમને જામીન પર છોડવાથી કોઇ અપરાધ થાય તેમ નથી લાગી રહ્યું.
હાઇકોર્ટે જામીન મંજૂર કરતા હેમંત સોરેન રાંચીની બિરસા મંડૂા જેલમાંથી બહાર આવ્યા હતા, આ દરમિયાન જેલ બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા. જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજે ચાર વાગ્યે હેમંત સોરેનને છોડી મુકવામાં આવ્યા હતા. જેલ બહાર ઝારખંડ મુક્તિ મોરચાના સમર્થકો દ્વારા હેમંત સોરેનના સમર્થનમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જ્યારે તેમના પત્ની કલ્પના સોરેને કોર્ટનો તેમજ સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ખુશી વ્યક્ત કરી હતી અને ન્યાય પાલિકા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.
કોર્ટમાં હેમંત સોરેનના વકીલ કપિલ સિબ્બલે આકરી દલીલો કરી હતી, તેમણે કહ્યું હતું કે ઇડી દ્વારા હેમંત સોરેનને અપરાધના કેસમાં જુઠી રીતે ફસાવવામાં આવ્યા છે. જ્યારે ઇડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે રાંચીમાં ૮.૮૬ એકર જમીન પચાવી પાડવા માટે હેમંત સોરેને મુખ્યમંત્રીપદનો દુરુપયોગ કર્યો હતો. સોરેને પોતાના સાથી અભિષેક પ્રસાદને જમીનની માલિકી બદલવા દસ્તાવેજોમાં ચેડા કરવા આદેશ આપ્યા હતા. જોકે હાઇકોર્ટે દસ્તાવેજો અને ઇડીએ રજુ કરેલા પુરાવાના આધારે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટ્રીએ અપરાધ કર્યો હોવાનું સાબિત નથી થતું માટે સોરેનના જામીન મંજૂર કરવામાં આવે છે. હવે ઇડી હાઇકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે.
જેલમાંથી છૂટયા બાદ હેમંત સોરેને કહ્યું હતું કે હું પાંચ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો છું, આદિવાસીઓ સહિત ઝારખંડના તમામ લોકોને લઇને હું પાંચ મહિનાથી સતત ચિંતિત રહ્યો. પુરા દેશને ખ્યાલ છે કે મને કેમ જેલમાં નાખવામાં આવ્યો. અંતે ન્યાય થયો અને જેને કારણે જ હું આજે બહાર છું. જે રીતે પત્રકારો, લેખકો, સમાજસેવકોની ધરપકડ કરવામાં આવી રહી છે તેને લઇને હું હજુ પણ ચિંતિત છું. મને પાંચ મહિના સુધી એક જુઠા કેસમાં જેલમાં રાખવામાં આવ્યો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે, તેમનો ઉલ્લેખ કરતા સોરેને કહ્યું હતું કે સરકાર સામે જે પણ અવાજ ઉઠાવે છે તેને કચડી નાખવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં મુખ્યમંત્રી જેલમાં કેદ છે, મંત્રી હોવા છતા લોકોને જેલમાંધકેલી દેવામાં આવ્યા, ન્યાયની પ્રક્રિયા એટલી લાંબી થઇ રહી છે કે દિવસ મહિનામા અને મહિના વર્ષમાં ફેરવાઇ ગયા છે. જે લોકો આ પરિસ્થિતિમાં પણ અવાજ ઉઠાવી રહ્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે.