...તો આખા દેશમાં અંધારું કરી નાખીશ', મોદી સરકારને ઝારખંડના મુખ્યમંત્રી હેમંતની ધમકી
Jharkhand CM Blames On Central Government: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતાં ચીમકી આપી છે કે, જો તેઓ અમારી વાત નહીં સાંભળે તો અમે દેશમાં અંધકાર લાવીશું. અમે કેન્દ્ર સરકાર પાસેથી અમારા બાકી રૂ. 1.36 લાખ કરોડ લેણાં પાછા લઈશું.
ઝારખંડ મુક્તિ મોરચાના 53મા સ્થાપના દિવસ નિમિત્તે ગોલ્ફ ગ્રાઉન્ડમાં આયોજિત બેઠકમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને તેમના પત્ની તથા ગાંડેયના ધારાસભ્ય કલ્પના સોરેને કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ‘જો અમને અધિકારો નહીં અપાય તો અમે કેન્દ્ર સરકાર સાથે કાયદાકીય લડાઈ લડીશું એટલું જ નહીં કોલસાની ખાણો પણ બંધ કરાવીશું. તેનાથી સમગ્ર દેશ અંધકારમાં ડૂબી જશે. ઝારખંડ હવે કેન્દ્ર સરકારના સાવકી માતા જેવું વર્તન સહન કરશે નહીં.’
બંધ ખાણો પર કરીશું કબજોઃ હેમંત સોરેન
હેમંત સોરેને જણાવ્યું કે, 'કેન્દ્રીય કોલસા મંત્રી ઝારખંડ આવ્યા હતા. કોલસા મંત્રીએ કહ્યું કે ઝારખંડમાં જમીનનો ભાવ વધુ છે, જેમાં ઘટાડો કરવો જોઈએ. અમે તેમને જવાબ આપ્યો કે, જમીન અમારી છે અને જમીનના દર અમને જે જોઈએ તે માગીશું. કોલસા કંપનીઓએ જે ખાણોમાંથી ખાણકામ બંધ કર્યું છે તે ખાણોની જમીન માલિકોને પરત કરી દેવી જોઈએ. જો આમ નહીં થાય તો અમે તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરીશું.'
ઝારખંડની ઉપેક્ષા પર નારાજગી
મુખ્યમંત્રી હેમંતે બજેટમાં ઝારખંડની ઉપેક્ષા કરવા બદલ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સોરેને કહ્યું કે 'જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં પણ ઝારખંડને કંઈ મળ્યું નથી. મનરેગાની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 50 લાખ કરોડના બજેટમાં કેન્દ્ર સરકારને 12 લાખ કરોડ રૂપિયા વ્યાજ પેટે પરત કરવાના છે.'
આઉટસોર્સિંગ કંપનીઓ કોલસાની લૂંટ ચલાવે છેઃ હફીઝુલ
હેમંત સોરેન સરકારના મંત્રી હફિઝુલ હસને પણ ટીપ્પણી કરી હતી કે, 'કોલસાના પ્રદેશમાં ખોદકામ કરતી આઉટસોર્સિંગ કંપનીઓ કોલસાને લૂંટી રહી છે. સ્થાનિકોને રોજગારી મળી રહી નથી. અન્ય રાજ્યોના લોકો કામ કરી રહ્યા છે અને ઝારખંડના માલિક બની રહ્યા છે. જ્યારે અહીંના વાસ્તવિક માલિકો આદિવાસીઓ, વતની અને ખતિયાણી લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.'
આઉટસોર્સિંગ કંપનીઓ ગુંડાગીરી કરી રહી છે: મથુરા પ્રસાદ
ટુંડીના ધારાસભ્ય મથુરા પ્રસાદ મહતોએ પણ ઝારખંડમાં બહારથી આવેલી ખાણ કંપનીઓ ગુંડાગીરી કરી રહી હોવાનો આરોપ મૂક્યો હતો કે, 'ધનબાદની સૌથી મોટી સમસ્યા વિસ્થાપનની છે. BCCL સહિત ઘણી કંપનીઓ આ સમસ્યાનો ઉકેલ લાવી રહી નથી. તેમના વતી કોલ માઇનિંગનું કામ આઉટસોર્સિંગ કંપનીઓને આપવામાં આવ્યું છે અને આ કંપનીઓ ગુંડાગીરી કરી રહી છે. BCCL જેવી કંપનીઓએ અહીંના લોકો વિશે વિચારવું પડશે.'