ઝારખંડ : રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ચંપઈ સોરેનનો સરકાર રચવાનો દાવો, ટૂંકમાં નિર્ણય
Jharkhand New CM : હેમંત સોરેનની EDએ ધરપકડ કરી લીધી છે. જમીન કૌભાંડ મામલે તેમની ધરપકડ થઈ છે. હેમંતે પોતાની પાર્ટી ઝારખંડ મુક્તિ મોર્ચાના સીનિયર નેતા ચંપઈ સોરેનને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. ત્યારે હવે ચંપઈ સોરેને રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. તેમણે 43 ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને સોંપ્યું છે. તેવામાં JMMએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં 43 ધારાસભ્યો સમર્થન કરી રહ્યા છે.
ટુંક સમયમાં જ નિર્ણય લેશે રાજ્યપાલ : ચંપઈ સોરેન
ચંપઈ સોરેને કહ્યું કે, અમે સરકાર બનાવવા દાવો કરાયો તેને 22 કલાક થઈ ગયા છે. રાજ્યપાલ શપથ ગ્રહણનો સમય નથી આપી રહ્યા. રાજ્યપાલે કહ્યું કે, ટુંક સમયમાં જ નિર્ણય લઈશું.
ચંપઈ સોરેન સહિતના પાંચ નેતાઓએ કરી રાજ્યપાલ સાથે મુલાકાત
રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ધારાસભ્ય દળના નવા પસંદ કરાયેલા નેતા ચંપઈ સોરેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન આલમગીર આલમ, પ્રદીપ યાદવ, સત્યાનંદ ભોક્તા અને વિનોદ સિંહ હાજર રહ્યા. રાજ્યપાલે આ પાંચેય નેતાઓને મળવા માટે સમય આપ્યો હતો.
હોટવાર જેલ પહોંચ્યા હેમંત સોરેન
હેમંત સોરેનને રાંચીની હોટવાર જેલ મોકલાયા છે. તેઓ જેલમાં પહોંચી ચૂક્યા છે. આ જેલમાં હેમંત સોરેનની આજની રાત વિતશે. જણાવી દઈએ કે, PMLAની વિશેષ કોર્ટે EDની રિમાન્ડ અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. રિમાન્ડ પિટીશન પર કોર્ટ કાલે ચુકાદો સંભળાવશે.