કોંગ્રેસની સરકાર અસ્થિર કરવા કાળા જાદુ, તંત્ર-મંત્રનો સહારો...: દિગ્ગજ નેતાના આરોપથી ખળભળાટ
Image: Facebook
Black Magic In Karnataka Politics: કર્ણાટકના રાજકારણમાં એક વાર ફરી 'કાળા જાદુ'ની એન્ટ્રી થઈ છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારે ગુરુવારે દાવો કર્યો કે તેમના રાજકીય વિરોધી કાળો જાદુ કરી રહ્યાં છે. શિવકુમારે કહ્યું કે કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા માટે શત્રુ ભૈરવી યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ યજ્ઞમાં જાનવરોની બલિ આપવામાં આવે છે. શિવકુમારે કહ્યું કે યજ્ઞ કેરળના રાજરાજેશ્વરી મંદિરમાં થઈ રહ્યો છે. તેમણે એ નથી જણાવ્યું કે આ બધું કોણ કરાવી રહ્યું છે.
શિવકુમારે આરોપ લગાવ્યો કે કાળો જાદુ કરવા માટે તાંત્રિકોને બોલાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે અમુક અઘોરી પણ અનુષ્ઠાનમાં સામેલ છે. તેમણે કહ્યું, 'અમને જાણકારી મળી છે કે કાળા જાદુ માટે 21 લાલ બકરીઓ, ત્રણ ભેંસો, 21 કાળા ઘેટાં અને પાંચ ભૂંડ લાવવામાં આવ્યા છે. જેની બલિ આપવામાં આવશે.'
કર્ણાટક: રાજકારણ પર અંધશ્રદ્ધાનો પડછાયો
કર્ણાટકના રાજકારણ પર ઘણી વખત કાળા જાદુ, તંત્ર-મંત્ર જેવી અંધશ્રદ્ધાનો પડછાયો રહ્યો છે. અંધશ્રદ્ધાના કારણે જ કર્ણાટક વિધાનસભામાં દક્ષિણ દિશા વાળો દરવાજો લગભગ 25 વર્ષ સુધી બંધ રહ્યો. તત્કાલીન સીએમ જેએચ પટેલે ચૂંટણી હાર્યા બાદ બધા જ માનવા લાગ્યા કે આ દરવાજો શાપિત છે. જે સીએમ આ દરવાજાનો ઉપયોગ કરશે, આગામી ચૂંટણીમાં તેની ખુરશી જતી રહેશે. જૂન 2023માં સીએમ સિદ્ધારમૈયાએ આખરે તે દરવાજાને ખોલાવ્યો. દરવાજો ખોલવા માટે શનિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો કેમ કે આ શનિદેવનો દિવસ હોય છે. સિદ્ધારમૈયાએ ત્યારે કહ્યું હતું કે તેઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતાં નથી.
ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ ઉમેદવારોએ અંધશ્રદ્ધા અને કાળા જાદુનો સહારો લીધો. ઉમેદવારી પત્ર ભર્યાં પહેલા અજીબ અનુષ્ઠાનોથી લઈને તાંત્રિકો સુધીની મદદ લેવામાં આવી. એક રિપોર્ટ અનુસાર ચૂંટણી ફરજમાં તૈનાત એક અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના ઉમેદવારોએ ઉમેદવારી પત્રને ઉત્તર દિશામાં પોઈન્ટ કરીને જમા કરાવ્યું.
2011માં જ્યારે ભાજપ સત્તામાં હતી, તત્કાલીન સીએમ બીએસ યેદિયુરપ્પાએ દાવો કર્યો કે તેમના વિરોધી તંત્ર-મંત્રમાં લાગેલા છે. રિપોટ્સ અનુસાર યેદિયુરપ્પા ત્રણ દિવસ સુધી નગ્ન સૂઈ ગયા. દુષ્ટ છાયા ભગાડવા માટે તેમણે એક નદીમાં 12 સૂર્ય નમસ્કાર કર્યાં, તે પણ નગ્ન. એક રિપોર્ટ અનુસાર પોતાના દુશ્મનોનું પત્તું કાપવા માટે તેમણે ગધેડાની બલિ પણ ચઢાવડાવી.
જનતા દળ (સેક્યુલર) પ્રમુખ અને પૂર્વ પીએમ એચડી દેવગૌડા પણ પણ કાળા જાદુ કરવાના આરોપ લાગેલા છે. 2015માં જ્યારે કોંગ્રેસ કાર્યકર્તા બેંગ્લુરુમાં JD(S) ની ઓફિસ પર કબ્જો કરી રહ્યાં હતાં, તેમને પરિસરની અંદર લાલ વસ્ત્રમાં લપેટાયેલું લીંબુ, મરચાં અને સિંદૂર મળ્યું.
કર્ણાટકમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદો
કર્ણાટકમાં અંધશ્રદ્ધા સાથે જોડાયેલી પરંપરાઓનું ચલણ રહ્યું છે. અમુક મંદિરોમાં મેડ સ્નાનની પ્રથા છે જેમાં લોકો બ્રાહ્મણો દ્વારા છોડવામાં આવેલું ભોજન કરે છે.
અન્ય અનુષ્ઠાનોમાં સળગતા અંગારા પર ચાલવું અને બાળકોને મંદિરની છતથી વસ્ત્ર પર ફેંકવા સામેલ છે. 2014માં સિદ્ધારમૈયા સરકારે મેડ સ્નાન, કાળા જાદુ સહિત ઘણા પ્રકારની પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે તેનો ખૂબ વિરોધ થયો હતો. 2017માં આ બિલ વિધાનસભામાંથી પસાર થયું, પરંતુ આગામી ત્રણ વર્ષ સુધી તેને લાગુ કરવામાં આવ્યું નહીં. આખરે જાન્યુઆરી 2020થી આ કાયદો અમલમાં મૂકવામાં આવ્યો.
આ કાયદા હેઠળ કોઈ પણ પ્રકારનો કાળો જાદુ કરવો, ખજાનો કે ઈનામની શોધમાં અમાનવીય કાર્ય અને દુષ્ટ પ્રથાઓ, શારીરિક અને યૌન શોષણ સહિત તાંત્રિક કૃત્યો, લોકોને નગ્ન પરેડ કરાવવા જેવી પ્રથાઓ, કોઈ અનુષ્ઠાનના નામ પર કોઈ વ્યક્તિને બહિષ્કૃત કરવા અને ઉપર મુજબના અનુષ્ઠાનો દરમિયાન અમાનવીય કૃત્યોને પ્રોત્સાહિત કરવા, ભૂત-પ્રેત ભગાડવા, ભૂત-પ્રેત ભગાડવાના બહાને લોકો પર હુમલા કરવા, ખોટી માહિતી આપવા અને ભૂત-પ્રેત અને કાળા જાદુના બહાને ભય જેવી સ્થિતિ પેદા કરવા વગેરે પર પ્રતિબંધ છે.