કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરની રેપ બાદ જઘન્ય હત્યા
- ડોક્ટરો હડતાળ પર ઉતર્યા, ફાંસીની સજાની મમતાની ખાતરી
- પીજીના બીજા વર્ષની ટ્રેની ડોક્ટર રાત્રે ફરજ પુરી કરીને સેમિનાર હોલમાં વાંચવા ગઇ હતી, સવારે મૃતદેહ મળ્યો
- પ્રાઇવેટ પાર્ટ, નાક, પેટ, ગાલ, ઘૂંટણ સહિતના અંગો પર ઇજાના નિશાન : આરોપીને 14 દિવસના રિમાન્ડ
કોલકાતા : કોલકાતામાં એક ટ્રેની મહિલા ડોક્ટર પર હોસ્પિટલમાં જ બળાત્કાર બાદ જઘન્ય રીતે હત્યા કરવાની ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે. ૩૧ વર્ષીય મૃતકના પીએમ રિપોર્ટના આધારે પોલીસે જણાવ્યું હતું કે હત્યા પહેલા મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુઝારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે કોલકાતામાં જુનિયર ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા છે અને આરોપીઓ સામે આકરા પગલા લેવાની માગણી કરી છે.
મેડિકલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી આ ટ્રેની ડોક્ટર રાત્રે બે વાગ્યા સુધી ડયુટી પર હતી, તે ભોજન લીધા બાદ હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમાં વાંચન માટે ગઇ હતી, બીજા દિવસે સવારે તે આ હોલમાં જ બેભાન અવસ્થામાં પડી હતી. તાત્કાલીક તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કોલકાતાના પોલીસ કમિશનર વીનિત કુમાર ગોયલે મીડિયાને જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાના ગાલ, ચહેરો, નાક, પેટ, આંગળીઓ અને ઘૂંટણ તેમજ પ્રાઇવેટ પાર્ટમાં ઇજાઓના નિશાન છે.
આ સમગ્ર ઘટના કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં સામે આવી છે. આ તેમજ અન્ય હોસ્પિટલોના તમામ ડોક્ટરો ધરણા પર બેસી ગયા હતા અને કાયદો વ્યવસ્થાને લઇને સુત્રોચ્ચાર કર્યા હતા. ડોક્ટરોએ કહ્યું હતું કે સુરક્ષા નહીં તો કામ પણ નહીં કરીએ. એક જુનિયર ડોક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે આ સમગ્ર મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને ફાંસીની સજા આપવામાં આવે. તમામ હોસ્ટેલમાં પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે.
બીજી તરફ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસે સંજોય રોય નામના એક શખ્સની ધરપકડ કરી છે. હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. આરોપીની સામે નવા કાયદા બીએનએસ હેઠળ ૧૦૩ (હત્યા) અને ૬૪ (રેપ)ની કલમો લગાવવામાં આવી છે. આરોપીને કોર્ટમાં રજુ કરાયો હતો જ્યાં તેને ૧૪ દિવસની કસ્ટડીમાં મોકલાયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હોસ્પિટલ બહારનો છે અને હોસ્પિટલમાં તમામ વિભાગોમાં ખુલ્લેઆમ ફરતો હતો. દરમિયાન બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે આરોપીને બક્ષ્વામાં નહીં આવે, અમે ફાંસીની સજાની માગણી કરીશું. સાથે જ સમગ્ર તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. જોકે આ ઘટનાને લઇને હાલ બંગાળનું રાજકારણ ગરમાયું છે અને વિરોધ પ્રદર્શન વધી રહ્યા છે.
બ્લૂટૂથની મદદથી આરોપી ઝડપાયો અંતે ગુનો કબૂલી લીધો
કોલકાતા : કોલકાતાની સરકારી હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર રેપ અને હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી રોય ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતા ઘટના સ્થળેથી બ્લૂટૂથ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તમામ શંકાસ્પદોને શોધી કાઢ્યા અને પૂછપરછ માટે બોલાવ્યા. સંજોય રોય પણ સામે ચાલીને પોલીસ પાસે આવ્યો હતો. પોલીસે બાદમાં તમામ આરોપીના મોબાઇલ લઇ લીધા અને જે બ્લૂટૂથ સ્થળેથી મળ્યું હતું તેને આ તમામ મોબાઇલ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન રોયનો મોબાઇલ આ બ્લૂટૂથ સાથે કનેક્ટ થઇ ગયો હતો. જેથી બાદમાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. તેણે પોલીસ સમક્ષ ગુનો કબૂલ કરી લીધો હતો. રોય સિવિક વોલંટિયર તરીકે કામ કરે છે. જે ગેરકાયદે પાર્કિંગ વગેરે મુદ્દે પોલીસને મદદરૂપ થતા હોય છે. રોયની સાથે અન્ય કોણ કોણ સામેલ છે તેની પોલીસ તપાસ કરી રહી છે.