પહાડોમાં બરફવર્ષા બાદ દેશભરમાં ઠંડી વધી: હિમાચલમાં બેના મોત, 1300 ટૂરિસ્ટનું રેસ્ક્યૂ
Heavy Snowfall on Peak In Western Himalayan: જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં શિખરો પર ભારે હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે. હિમવર્ષાના કારણે હિમાચલમાં 87 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. તેમજ વાહન સ્લીપ થવાને કારણે થયેલા અકસ્માતમાં દિલ્હીના પ્રવાસી સહિત બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં એક વ્યક્તિનું મોત થયું છે. લાહૌલ અને ધુંડીમાં હિમવર્ષાના કારણે ફસાયેલા 1300 ટૂરિસ્ટનું સુરક્ષિત રીતે મનાલી ખસેડવામાં આવ્યા છે.
ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડીમાં વધારો
પહાડોમાં હિમવર્ષા અને વરસાદને કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. હાલમાં, વધતી જતી ઠંડીથી કોઈ રાહત નથી, તેમજ હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ સુધી સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં ઠંડી રહેવાની આગાહી કરી છે. તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી 8 થી 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
પર્વતોમાં હિમવર્ષાના કારણે લેહ બન્યું સૌથી ઠંડુ શહેર
સોમવારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ 6.7 સેમી હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ અને સોનમર્ગની સાથે દૂધપથરીમાં પણ હિમવર્ષાના કારણે બરફની સફેદ ચાદર પથરાયેલી છે. તેમજ હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે પણ બંધ છે. રાઝદાનમાં બાંદીપોરા-ગુરેઝ રોડ અને સાધના ટોપ પર કુપવાડા-તંગધાર રોડ બ્લોક છે. હાલમાં લેહ લઘુત્તમ તાપમાન માઈનસ 12.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ છે.
આ પણ વાંચો: ભાજપના CM પર ભડક્યો સોનુ નિગમ, કહ્યું- અધવચ્ચે જ જતાં રહેવું હોય તો આવો જ છો શું લેવા?
હિમવર્ષાના કારણે અટલ ટનલ પ્રવાસીઓ માટે બંધ
કુફરી અને લાહૌલમાં સોમવારે બપોરે ફરી હિમવર્ષા થઈ હતી. જેથી સ્લિપેજના કારણે અટલ ટનલ રોહતાંગને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. બીજી તરફ હિમવર્ષાના કારણે 15 રસ્તાઓ અને 18 ટ્રાન્સફોર્મર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયા છે. સોમવારે બપોરે અપર શિમલા માટેનો વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ મનાલી સાથે લાહૌલનો સંપર્ક હજુ પણ તૂટેલો છે.
મંગળવારથી રાજ્યમાં સૂર્યપ્રકાશને કારણે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા અને મંડીના કેટલાક વિસ્તારોમાં મંગળવાર અને બુધવાર માટે ધુમ્મસની યલો એલર્ટ જારી કરવામાં આવી છે.