હિમાચલમાં અટલ ટનલ નજીક હિમવર્ષા, ચાર નેશનલ હાઈવે સહિત 130 રસ્તા બંધ, 300 પ્રવાસી ફસાયા
મનાલીમાં હિમવર્ષાના કારણે નેહરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો
ચંબા સહિત રાજ્યભરમાં 388 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા
Himachal Snowfall : હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highway) સહિત 130 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે. તો અટલ ટનલમાં 300 જેટલા પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
અટલ ટનલ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા
હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે કિન્નૌર જિલ્લાના નાથપા પાસે ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલન (Landslide) થવાના કારણે શિમલા-રામપુર-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક નવું બુલેટિન બહાર પાડ્યું છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે. હિમવર્ષાના પગલે અટલ ટનલ (Atal Tunnel) રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે (Manali Snowfall) નેહરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચન સોલંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ હિમવર્ષા થઈ છે. મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે પણ હિમવર્ષા થઈ હતી. હવે અહીં આજે સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.
લાહૌલ ખીણ સૌથી વધુ પ્રભાવિત
આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર લાહૌલ સ્પીતિમાં ગત રાત્રિથી ભારે હિમવર્ષા થવાના કારણે રાજ્યના મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લાહૌલ સબડિવિઝનમાં 71 અને ઉદયપુર ડિવિઝનમાં 48 રસ્તાઓ બંધ કરાયા છે. આ સિવાય દારચા લેહ મનાલી હાઇવે, સરચુ હાઇવે, કાઝા ગ્રાનફૂ લોસર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લાહૌલમાં હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
અટલ ટનલ નજીક ભારે હિમવર્ષા
અટલ ટનલ નજીક છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીં અત્યાર સુધીમાં લગભગ એક ફૂટ સુધી બરફ પડ્યો છે. કુલ્લુ પોલીસે આ જાણકારી આપી છે. અહીં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તેવી જ રીતે વીજ સેવાને પણ અસર થઈ છે અને ચંબા સહિત રાજ્યભરમાં 388 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.