હિમાચલના પાંચ જિલ્લામાં ભારે હિમવર્ષા, ચાર નેશનલ હાઈવે અને 350 રસ્તા બંધ, સ્કૂલ-કોલેજોમાં રજા
Image Source: Twitter
શિમલા, તા. 02 માર્ચ 2024 શનિવાર
હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ હિમવર્ષાનો સમય શરૂ થઈ ગયો છે. મેદાની વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સમગ્ર પ્રદેશ શીત લહેરની ચપેટમાં આવી ગયો છે. રાજધાની શિમલામાં પણ સવારથી જ વરસાદ આવી રહ્યો છે.
હિમાચલ પ્રદેશમાં માર્ચ મહિનો આકરા હવામાન સાથે શરૂ થયો છે. રાજ્યના પાંચ પર્વતીય જિલ્લામાં સતત બીજા દિવસે પણ બરફ પડવાનો સમય શરૂ થઈ ગયો છે. રાજધાની શિમલા સહિત રાજ્યના મેદાની ભાગોમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. ઘણા સ્થળે વાવાઝોડુ પણ ચાલી રહ્યુ છે. ખરાબ હવામાનના કારણે લાહોલ ખીણમાં હિમખંડ પડવાનું જોખમ વધી ગયુ છે. તાજી હિમવર્ષાથી જનજાતીય જિલ્લાઓમાં પરિવહન વ્યવસ્થા, વીજ પુરવઠો અને સંચાર વ્યવસ્થા અસર થઈ છે. ચાર નેશનલ હાઈવે સહિત 350 માર્ગો પર વાહનોની અવરજવર ઠપ છે. હિમવર્ષા અને વાવાઝોડાથી 1314 ટ્રાન્સફોર્મરો ખરાબ થવાથી ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ છે.
લાહોલ સ્પીતિ અને કુલ્લુ અને મનાલી પેટાવિભાગના તમામ શિક્ષણ સંસ્થા હિમવર્ષાના કારણે આજે બંધ રાખવામાં આવી છે. આ વિશે સંબંધિત એસ.ડી.એમ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યા છે. સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે હિમાચલ પ્રદેશ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી પરીક્ષાઓ પૂર્વ નિર્ધારિત સમય સારણી અનુસાર જ થશે.
રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો રિપોર્ટ અનુસાર કિન્નોર, લાહોલ સ્પીતિ, કુલ્લુ, ચંબા અને શિમલા જિલ્લામાં બરફ પડી રહ્યો છે. લાહોલ-સ્પીતિ જિલ્લાના કેલંગમાં દોઢ ફૂટ, ઉદયપુરમાં બે ફૂટથી વધુ જ્યારે ત્રિલોકનાથમાં અઢી ફૂટ જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં ચાર ફૂટ સુધી હિમવર્ષા થઈ છે. કિન્નોર જિલ્લાના ચિત્કુલ અને અસરંગમાં બે ફૂટ, કલ્પા અને સાંગલામાં દોઢ ફૂટ બરફવર્ષા થઈ છે.
ચંબા જિલ્લામાં પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ છે જેના કારણે ઘણા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. પાંગી ખીણમાં એક ફૂટ હિમવર્ષા થઈ છે. કુલ્લૂ જિલ્લામાં પણ ઉચ્ચ શિખરો પર હિમવર્ષા ચાલુ છે અને નીચલા વિસ્તારોમાં ગત રાત્રે ગર્જના સાથે વાદળ વરસી રહ્યા છે. જોકે, ખેડૂત અને માળીઓ આ હિમવર્ષાથી ખૂબ ખુશ છે.
લાહોલ-સ્પીતિ જિલ્લામાં 290, કિન્નોરમાં 32, મંડીમાં 10 અને કુલ્લુમાં સાત માર્ગો હિમવર્ષાથી બંધ છે. લાહોલ-સ્પીતિ અને કુલ્લુ જિલ્લામાં બે-બે નેશનલ હાઈવે બરફ પડવાથી બ્લોક થઈ ગયા છે. ચંબા જિલ્લામાં 337 વીજ ટ્રાન્સફોર્મર બંધ પડી ગયા છે. આ સિવાય લાહોલ-સ્પીતિમાં 314, મંડીમાં 284, કિન્નોરમાં 218 અને કુલ્લુમાં 161 ટ્રાન્સફોર્મર ઠપ છે.
પ્રદેશમાં થઈ રહેલી હિમવર્ષાથી સમગ્ર પ્રદેશ કડકડતી ઠંડીની ચપેટમાં આવી ગયો છે. હવામાન ડિસેમ્બર મહિનાની જેમ થઈ ગયુ છે અને મેદાની વિસ્તારોમાં લોકોને ફરીથી ગરમ કપડા કાઢવા પડ્યા છે. ગત 24 કલાક દરમિયાન રાજ્યના સરેરાશ લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો આવ્યો છે. કિન્નોરના કલ્પા અને રિકાંગપિઓમાં લઘુતમ તાપમાન ક્રમશ: -2.1 અને -0.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ. આ પ્રકારે લાહોલ-સ્પીતિના કેલાંગમાં -1.7 ડિગ્રી અને શિમલા જિલ્લાના નારકંડામાં -1.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યુ. શિમલામાં લઘુતમ તાપમાન 5.5 ડિગ્રી, સુંદરનગરમાં 9.5 ડિગ્રી, ભુંતરમાં 6.2 ડિગ્રી, ધર્મશાળામાં 11.1 ડિગ્રી, ઉનામાં 11.4 ડિગ્રી, નાહનમાં 11.3 ડિગ્રી, પાલમપુરમાં 9 ડિગ્રી, સોલનમાં 9.4 ડિગ્રી, મનાલીમાં 0.5 ડિગ્રી, કાંગડામાં 12.4 ડિગ્રી, મંડીમાં 9.4 ડિગ્રી, બિલાસપુર 13.1 ડિગ્રી,ચંબામાં 10.4 ડિગ્રી, ડલ્હોજીમાં 3.9 ડિગ્રી, જુબ્બડહટ્ટીમાં 8.2 ડિગ્રી, કુફરીમાં 3.5 ડિગ્રી, કુકુમસેરીમાં 0.2 ડિગ્રી, ભરમોરમાં 1.9 ડિગ્રી, સિયોબાગમાં 4 ડિગ્રી, પાંવટા સાહેબમાં 10 ડિગ્રી, સરાહનમાં 4.5 ડિગ્રી, દેહરા ગોપીપુરમાં 10 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યુ.
6 માર્ચ સુધી ખરાબ રહેશે હવામાન
હવામાન વિભાગે આજે આખો દિવસ પ્રદેશના ઉચ્ચ પર્વતીય અને મધ્યમ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જારી કર્યુ છે. 3 માર્ચે અમુક સ્થળો પર વીજળી ચમકવાનું યેલો એલર્ટ રહેશે. 4 અને 5 માર્ચે પણ હવામાન ખરાબ રહેશે જ્યારે 6 માર્ચે વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. 7 માર્ચ સુધી સમગ્ર પ્રદેશમાં હવામાન ખરાબ રહેશે.