આવતા ચાર દિવસ કાશ્મીર,હિમાચલ,ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષા, કરા અને ગાજવીજના તોફાની માહોલનો વરતારો
- 123 વર્ષ બાદનો સૌથી ગરમ શિયાળો : પૃથ્વી પરનું સ્વર્ગ બે મહિના બાદ બરફની ચાદરમાં ઢંકાયું
- ગુલમર્ગમાં માઇનસ 10.6, પહલગાંવ-માઇનસ 8.3, અનંતનાગ માઇનસ -5.6, કુકેરનાગ માઇનસ-5.4, લેહ માઇનસ 12.2
શ્રીનગર/મુંબઇ : પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કશ્મીરમાં ૨૦૨૩--૨૪ના શિયાળાના બે મહિના કરતાં પણ વધુ સમય પસાર થઇ ગયા બાદ બરફ વર્ષા શરૂ થઇ છે. ગયા શનિવાર,૨૭,જાન્યુઆરીથી કશ્મીર સહિત હિમાચલ પ્રદેશ, સિક્કિમ,લેહ,કારગીલ વગેરેમાં પણ ભારે બરફ વર્ષા થઇ રહી છે.
હજી આવતા ૪૮ કલાક દરમિયાન પણ કશ્મીર સહિત હિમાચલ પ્રદેશ,ઉત્તરાખંડ, સિક્કિમ વગેરેમાં બરફ વર્ષા સાથે વરસાદ વરસવાની શક્યતા છે.
આ માહિતી હવામાન ખાતાના કશ્મીર કેન્દ્રનાં સૂત્રોએ આપી છે.
બરફ વર્ષા શરૂ થઇ હોવાથી જમ્મુ-કશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ, સિક્કિમ, લેહ,કારગીલ, બાલ્ટિસ્તાન વગેરે પ્રદેશમાં ઠંડીનો પારો શૂન્ય ડિગ્રી કરતાં પણ વધુ નીચો ગયો હોવાના સમાચાર મળે છે.
હવામાન ખાતાના કશ્મીર કેન્દ્રના ડાયરેક્ટર લોટસ સોનમે શ્રીનગરથી ગુજરાત સમાચારને વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે કશ્મીરમાં ૨૦૨૩-૨૪ના શિયાળાના નવેમ્બર,ડિસેમ્બર ઉપરાંત જાન્યુઆરીના અંત સુધી બરફ વર્ષા થઇ નહોતી. એટલે કે છેક ૨૭,જાન્યુઆરી સુધી હિમાલયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પરિબળ સક્રિય બન્યું નહોતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું પરિબળ ન સર્જાય તો આખા હિમાલયમાં બરફ વર્ષા પણ ન થાય. હિમાલયમાં બરફ વર્ષા ન થાય તો ઠંડાગાર પવનો પણ આખા દેશમાં ન પહોંચે.પરિણામે આખા ભારતમાં ટાઢોબોળ શિયાળો પણ ન વરતાય.
ભારતમાં શિયાળાની મજેદાર મોસમમાં બે મહિના કરતાં પણ વધુ વિલંબ થયો તે ચિહ્નો ચિંતાજનક કહેવાય. ફૂલ,ફળ,વિવિધ કૃષિ પાક પર વિપરીત અસર થાય.માનવ આરોગ્ય પર પણ અવળી અસર થાય. ભારતમાં ૨૦૨૩-૨૪નો શિયાળો ૧૨૩ વર્ષ બાદ ગરમ રહ્યો છે.
ભારત હવામાન ખાતાના ડાયરેકટર જનરલ ડો.મૃત્યુંજય મોહપાત્રાએ ડિસેમ્બરની શરૂઆતમાં જ એવો વરતારો આપ્યો હતો કે ભારતમાં ૨૦૨૩ના ડિસેમ્બરથી ૨૦૨૪ના ફેબ્રુઆરી દરમિયાન મહારાષ્ટ્ર સહિત દેશના મોટાભાગમાં ઠંડીનું તીવ્ર મોજું (સિવિયર કોલ્ડ વેવ) ફેલાય તેવી શક્યતા બહુ ઓછી છે. ભારતમાં ૧૯૦૧ના ફેબ્રુઆરી,ઓગસ્ટ,નવેમ્બર મહિના ગરમ રહ્યા હોવાનો રેકોર્ડ મળે છે.હવે ૨૦૨૩માં એટલે કે ૧૨૩ વર્ષ બાદ ભારતમાં શિયાળામાં બરાબર આવો જ ગરમ માહોલ સર્જાય તેવાં કુદરતી પરીબળો સર્જાઇ રહ્યાં છે.
લોટસ સોનમે એવી વિશેષ માહિતી પણ આપી હતી કે ખરેખર તો કુદરતી પરંપરા મુજબ કશ્મીર સહિત આખા હિમાલય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિબળની અસર ડિસેમ્બરમાં જ શરૂ થઇ જાય અને કશ્મીર,હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ,સિક્કિમ,શિમલા વગેરેમાં ભરપૂર બરફ વર્ષા થાય.આખા હિમાલય પ્રદેશમાં બરફની વિશાળ ચાદર છવાઇ જાય. સમગ્ર માહોલ પણ બરફીલો ટાઢોબોળ થઇ જાય. ઠંડીનો પારો શૂન્ય નીચે ઉતરી જાય.
ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મેડિટેરિયન સી (જેને ભૂમધ્ય સમુદ્ર કહેવાય છે) અને કેસ્પિયન સી માં સર્જાતા એક્સ્ટ્રાટ્રોપિકલ સ્ટોર્મ(વિષુવવૃત્તીય તોફાન)ને કારણે થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિબળથી આખા ઇન્ડિયન સબ કોન્ટિનન્ટ(જેને ભરત ખંડ કહેવાય છે)ના વાયવ્ય ભારતમાં ભરપૂર બરફ વર્ષા થાય. ઠંડોગાર શિયાળો અનુભવાય.
હવામાન ખાતાના શ્રીનગર કેન્દ્રનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ગઇ ૨૭,જાન્યુઆરીથી કશ્મીરનાં ગુલમર્ગ, સોનમર્ગ, ખીલાનબર્ગ, પહલગાંવ,કુપવારા,અનંતનાગ,શ્રીનગર વગેરેમાં બરફ વર્ષા શરૂ થઇ છે.કશ્મીરના આ તમામ સ્થળોએ બે ફૂટ કરતાં પણ વધુ બરફ વર્ષા થઇ હોવાથી પર્વતો,ઢોળાવ, રસ્તા,ઘર,વૃક્ષો,નદીઓ,ઝરણાં વગેરે બરફમય બની ગયાં છે. અમે કહો કે નજર નાખીએ ત્યાં સુધી બરફની વિશાળ સફેદ ચાદર જોવા મળે છે.
હવામાન ખાતાનાં (દિલ્હી કેન્દ્ર) સૂત્રોએ એવી માહિતી આપી હતી કે હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૃથ્વીના ટ્રોપોસ્ફિયર(સમુદ્રની સપાટીથી ૧૫ કિલોમીટરના અંતરને ટ્રોપોસ્ફિયર કહેવાય છે)માં થઇ રહી છે. સાથોસાથ હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે.આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ચાર દિવસ(૩થી ૬,ફેબ્રુઆરી) દરમિયાન જમ્મુ-કશ્મીર, લદાખ,ગીલગીટ,ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ,અરુણાચલ પ્રદેશમાં ભારે ગાજવીજ, તોફાની પવન સાથે બરફ વર્ષા,કરાનો માહોલ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે.
આવતા ૪૮ કલાક દરમિયાન કશ્મીરના ઉત્તર-પશ્ચિમના પહાડી પ્રદેશોમાં ૮-૧૨ ઇંચ જેટલી ભારે બરફ વર્ષા થવાનો વરતારો છે. જ્યારે મેદાની પ્રદેશોમાં પણ ત્રણ(૩) ઇંચ જેટલી બરફ વર્ષા થવાના સંકેત મળે છે. જોકે ૬થી ૧૩,ફેબ્રુઆરી દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
હવામાન ખાતાના શ્રીનગર કેન્દ્રનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે આજે કશ્મીરનું કુદરતી સૌદર્યધામ ગુલમર્ગ માઇનસ(--) ૧૦.૬ ડિગ્રી સાથે ઠરીને ઠીંકરું થઇ ગયું છે.પહલગાંવ-માઇનસ ૮.૩,અનંતનાગ--માઇનસ ૫.૫, કુકેરનાગ - માઇનસ ૫.૪, કુપવારા-- માઇનસ ૨.૪, શ્રીનગર સિટી --માઇનસ૧.૭, લેહ --માઇનસ ૮.૭, કારગીલ--માઇનસ ૧૨.૨ ડિગ્રી સેલ્સિયસ જેટલું અસહ્ય ટાઢુંબોળ રહ્યું હતું.