Get The App

ઉત્તરથી પૂર્વ સુધી અનેક રાજ્યમાં અતિભારે વરસાદથી લોકો ત્રાહિમામ: 47 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઍલર્ટ

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ઉત્તરથી પૂર્વ સુધી અનેક રાજ્યમાં અતિભારે વરસાદથી લોકો ત્રાહિમામ: 47 લોકોના મોત, ત્રણ દિવસ માટે ઍલર્ટ 1 - image


Image: Freepik

Heavy Rain Alert: પશ્ચિમ હિમાલયના રાજ્યોથી લઈને પૂર્વોત્તર ભારતના લગભગ તમામ રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમમાં રાજસ્થાન, મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશ અને પૂર્વ ભારતમાં ઓડિશા અને ઝારખંડમાં પણ વરસાદ વરસી રહ્યો છે. દેશના જુદા-જુદા ભાગોમાં ભારે વરસાદે 36 કલાકમાં 47 લોકોના જીવ લીધા છે. જેમાં ઉત્તર પ્રદેશમાં 32, મધ્ય પ્રદેશમાં 11 અને રાજસ્થાનમાં ચાર મોત થયા છે. મોટાભાગના મૃત્યુ દીવાલ અને ઘર પડવાથી થયા છે. દુર્ઘટનામાં 38 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે ખરાબ સ્થિતિ છે. કેદારનાથ યાત્રા રોકી દેવાઈ છે અને શુક્રવારે પ્રદેશમાં તમામ સ્કૂલોને બંધ રાખવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ સુધી હિમાચલ અને ઉત્તરાખંડ સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી જાહેર કરી છે.

આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ

ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તરથી લઈને પૂર્વોત્તરના રાજ્યોમાં જુદા-જુદા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. આ રાજ્યોમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડ સામેલ છે. આઇએમડીએ કહ્યું કે મધ્ય ભારતમાં બની રહેલા લો પ્રેશરના કારણે યુપી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડશે. હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ તેના કારણે અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ઘણા સ્થળો પર અચાનક પૂર આવવાનું જોખમ પણ છે.

વરસાદનું આજે યલો ઍલર્ટ, ઝડપી પવન ફૂંકાશે

હવામાન વિભાગે શુક્રવારે પણ દિલ્હી-એનસીઆરમાં વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે. IMDના જણાવ્યા અનુસાર આ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે, 25થી 35 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન છે.

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી બાદ તમામ જિલ્લામાં સ્કૂલ બંધ

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી બાદ તમામ જિલ્લામાં તંત્રએ 12મા ધોરણ સુધીની તમામ સ્કૂલ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રુદ્રપ્રયાગ જિલ્લામાં ભારે વરસાદના કારણે ગુરુવારે કેદારનાથ પગપાળા માર્ગને બંધ કરવો પડ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખતાં કેદારનાથ ધામથી પણ કોઈને નીચેની તરફ મોકલવામાં આવ્યા નથી. યાત્રા બંધ થવાના કારણે સોનપ્રયાગમાં લગભગ 2,500 મુસાફર ફસાયા છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી 168 માર્ગ બંધ છે. જેમાં નેશનલ હાઇવે, રાજ્ય માર્ગ, સરહદી માર્ગ અને ગ્રામીણ મોટર માર્ગ સામેલ છે. હવામાન વિભાગે દહેરાદૂન, હરિદ્વાર, પૌડી, બાગેશ્વર, નૈનીતાલ, ચંપાવત અને રુધમસિંહ નગર જિલ્લાના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. અન્ય જિલ્લામાં ભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

હિમાચલમાં 37 માર્ગ બંધ

હિમાચલ પ્રદેશ, ખાસ કરીને ત્રણ જિલ્લામાં શિમલા, કિનૌર અને સિરમૌર માટે શુક્રવારનો દિવસ ખૂબ ભારે રહેવાનો છે. સ્થાનિક હવામાન કેન્દ્રએ આ જિલ્લામાં ઝડપી વરસાદના કારણે અચાનક પૂર આવવાની શક્યતા વ્યક્ત કરી છે અને વહીવટી સ્ટાફની સાથે જ લોકોને પણ સાવધાન કર્યા છે. રાજ્યના 12માંથી પાંચ જિલ્લામાં શુક્રવારે પણ વાદળ ગર્જના સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનના કારણે 37 રસ્તા બંધ છે અને 106 વીજ પુરવઠા યોજનાઓ પણ ઠપ પડી છે.

ઊંચા શિખરો પર હિમવર્ષા

ધારચૂલાની દારમા અને વ્યાસ ખીણના ઊંચાઈ ધરાવતાં વિસ્તારોમાં ગુરુવારે સિઝનની પહેલી હિમવર્ષા થઈ. બુધવારે સતત પડી રહેલા વરસાદથી ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં તાપમાન નીચું રહ્યું. બપોર બાદ દારમા ખીણના અંતિમ ગામ સીપૂ (ઊંચાઈ 11,820 ફૂટ)માં અચાનક હવામાન બદલાયું અને સામાન્ય વરસાદની સાથે હિમવર્ષા શરુ થઈ ગઈ. મેદાની વિસ્તારોમાં લગભગ છ ઇંચ અને પહાડો પર એક ફૂટ સુધી બરફ પડ્યો. મુનસ્યારીના ઊંચા શિખરો પંચાચૂલી, રાજરંભા સહિત અન્ય ઊંચા શિખરો પર પણ હિમવર્ષા થઈ છે. હિમાચલના આદિવાસી જિલ્લા કિન્નૌર અને ઊંચાઈ ધરાવતાં વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે.

રાજસ્થાનના નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા

રાજસ્થાનમાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા વરસાદના કારણે નીચલા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે. ધોલપુર, ભરતપુર, કરૌલી, કોટા અને પ્રતાપગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. ધોલપુરના રાજખેડામાં સૌથી વધુ 237 મિમી વરસાદ રૅકોર્ડ કરવામાં આવ્યો છે. જેના કારણે ધોલપુર બારી સ્થિત ઉર્મિલા સાગર ડેમનું પાણી રસ્તા પર આવી ગયું અને નેશનલ હાઇવે 11બીને પરિવહન માટે બંધ કરવો પડ્યો. પાર્વતી ડેમમાં વધુ પાણી જમા થવાથી તેના 10 ગેટ ખોલવા પડ્યા.

અલીગઢમાં ટ્રેક પર પાણી ભરાયું, 10 ટ્રેન પ્રભાવિત

અલીગઢ સ્ટેશનના રેલવે ટ્રેક પર વરસાદનું પાણી આવવાના કારણે રેલ પરિવહન અટવાયું. સિગ્નલ ફેલ થવાથી 10 ટ્રેન ગમે ત્યાં રોકાઈ ગઈ. લગભગ અઢી કલાક બાદ સિગ્નલ ઠીક કરાવીને તેને ચલાવવામાં આવી. પાણી ભરાવાના કારણે અન્ય ટ્રેનોને પણ ધીમી સ્પીડથી પસાર થવું પડ્યું. વરસાદની ચેતવણી બાદ અલીગઢની સાથે જ હાથરસમાં શુક્રવારે ધોરણ 12 સુધીની સ્કૂલ બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. ભારે વરસાદના કારણે મથુરામાં નેશનલ હાઇવે-19 આગ્રા-દિલ્હી માર્ગ પર સવારથી લઈને સાંજ સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ રહ્યો.

મધ્ય પ્રદેશમાં 11 લોકોના મોત

દતિયાના કલેક્ટરે જણાવ્યું કે જિલ્લામાં 36 કલાક સતત વરસાદ પડવાથી ગુરુવારે લગભગ ચાર વાગે ખલકાપુરા વિસ્તારમાં રાજગઢ કિલ્લાની દીવાલ બાજુના ઘર પર પડી ગઈ. ઘરમાં એક જ પરિવારના 9 લોકો સૂઈ રહ્યા હતા અને તમામ કાટમાળમાં દબાઈ ગયા. સ્થાનિક લોકોએ ગમે તેમ કરીને કાટમાળમાંથી બે લોકોને જીવિત બહાર કાઢ્યા. જિલ્લા તંત્ર, પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફૉર્સ(એસડીઆરએફ)ની ટીમો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરુ કર્યું. રસ્તો સાંકડો હોવાથી કિલ્લાની દીવાલને તોડીને જેસીબી મશીન અંદર લઈ ગયા અને કાળમાળ સાફ કર્યો પરંતુ ત્યાં સુધી સાત લોકોના મોત થઈ ચૂક્યા હતા. મુખ્યમંત્રી મોહન યાદવે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં દરેક મૃતકના પરિવારને ચાર-ચાર લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. આ સિવાય ગ્વાલિયરમાં ત્રણ અને ભિંડમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે.


Google NewsGoogle News