નેપાળમાં આકાશથી આફત વરસી, મૃત્યુઆંક વધીને 112, સેંકડો ગુમ, અનેક પુલ વહી ગયા
Heavy Rains in Nepal : નેપાળમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનથી ઘણાં વિસ્તારોમાં મોટા પાયે તબાહી મચાવી છે. માહિતી પ્રમાણે આ પૂર અને ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં આશરે 112 લોકોના મોત થઈ ચૂક્યા છે. તો કેટલાક લોકો ગુમ થયાના સમાચાર છે. પૂર્વ અને મધ્ય નેપાળના મોટા ભાગમાં શુક્રવારે જ જળમગ્ન થઈ ગયા હતા અને દેશના કેટલાક વિસ્તારોમાં અચાનકથી પૂર આવી ગયું હતું.
લગભગ 195 મકાનો અને આઠ પુલને નુકસાન
સશસ્ત્ર પોલીસ દળના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર અને ભૂસ્ખલનના કારણે 64 લોકો ગુમ છે જ્યારે 45 લોકો ઘાયલ થયા છે. કાઠમંડુ ખીણમાં સૌથી વધુ 48 લોકોના મોત થયા છે. તેમજ લગભગ 195 મકાનો અને આઠ પુલોને નુકસાન થયું છે. સુરક્ષા કર્મચારીઓએ અત્યાર સુધીમાં લગભગ 3,100 લોકોને બચાવી લીધા છે.
મૃતકોની સંખ્યા 112 પર પહોંચી
સ્થાનિક હાજર લોકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા તેમણે છેલ્લા 40-45 વર્ષોમાં કાઠમંડુ ખીણમાં આટલું વિનાશક પૂર નથી જોયું. સશસ્ત્ર પોલીસ દળે એક નિવેદનમાં જણાવ્યું કે, મૃતકોની સંખ્યા 112 પર પહોંચી ગઈ છે.
કાઠમંડુની મુખ્ય બાગમતી નદી ખતરાના નિશાન પર
ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (ICIMOD)ના ક્લાઈમેટ ચેન્જ નિષ્ણાત અરુણ ભક્ત શ્રેષ્ઠે જણાવ્યું હતું કે, ‘મેં કાઠમંડુમાં આ પહેલા આટલી તીવ્રતાનું પૂર ક્યારેય નથી જોયું." ICIMOD દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે કાઠમંડુની મુખ્ય નદી બાગમતીની મુખ્ય નદી શુક્રવાર અને શનિવારે પૂર્વ અને મધ્ય નેપાળમાં મુશળધાર વરસાદ બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.’
ક્લાઈમેટ ચેન્જના કારણે એશિયામાં વરસાદનું ચક્ર બદલાયું
નિષ્ણાતોના કહેવા પ્રમાણે બંગાળની ખાડીમાં નીચા દબાણની સિસ્ટમ અને ચોમાસાની સ્થિતિને કારણે શનિવારે અસાધારણ રીતે તીવ્ર વરસાદ થયો હતો. વિજ્ઞાનીઓના મતે, ક્લાઈમેટ ચેન્જના કારણે એશિયામાં વરસાદનું સમયચક્ર બદલાઈ ગયું છે અને તેમાં હજુ મોટા ફેરફાર થઈ શકે છે.
પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળના કેટલાય વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. કેટલાક હાઇવે અને રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, સેંકડો ઘર અને પુલો ધોવાઇ ગયા છે અને સેંકડો પરિવારોને ઘરો છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે. આ સાથે કેટલાક રસ્તા બ્લોક થવાને કારણે હજારો મુસાફરો વિવિધ સ્થળોએ અટવાઈ પડ્યા છે.