Get The App

100 વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર તમિળનાડુમાં પ્રચંડ વર્ષા : માર્ગો પર પણ નદીના પૂર જેવી સ્થિતિ

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
100 વર્ષના ઈતિહાસમાં પહેલી જ વાર તમિળનાડુમાં પ્રચંડ વર્ષા : માર્ગો પર પણ નદીના પૂર જેવી સ્થિતિ 1 - image


- રાજ્ય સરકારે કેન્દ્રની સહાય માગી

- દ.તમિળનાડુમાં 1150 મીમી જેટલી વર્ષા થઈ : અનેક વિસ્તારો જળમગ્ન : 10થી વધુનાં મોત : NDRF, SDRF કાર્યરત થયા

ચેન્નાઈ : તમિળનાડુને છેલ્લાં કેટલાયે દિવસોથી વર્ષા ધમરોળી રહ્યો છે તેમાં છેલ્લાં ૪૮ કલાકમાં જ રાજ્યના દક્ષિણના જિલ્લાઓમાં થઈ રહેલી અનરાધાર વર્ષાને લીધે માર્ગો પર પણ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ૧૦થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે. મૃત્યુઆંક વધવાની ભીતિ રહી છે. તમિળનાડુમાં ખેતી ખતમ થઈ ગઈ છે. ઉભો પાક ધોવાઈ ગયો છે.

રાજ્યની લગભગ તમામ નદીઓમાં પ્રચંડ પૂરો આવ્યાં છે. આ પરિસ્થિતિમાં રાજ્યની ડી.એમ.કે. સરકારે કેન્દ્રની ભાજપ સરકાર પાસે સહાયની માંગણી કરી છે. કેન્દ્ર સરકારે તુર્ત જ તે મંજૂર પણ કરી દીધી છે.

રાજ્યનાં સ્ટેટ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ (SDRF) ની સહાયે નેશનલ ડીઝાસ્ટર રીલીફ ફોર્સ (NDRF) ની ટુકડીઓ રવાના કરી દીધી છે. તે રાહત કાર્યમાં જોડાઈ પણ ગઈ છે.

રાજ્યના ચાર સમુદ્રતટીય જિલ્લાઓ કન્યાકુમારી, તિરૂનેલવેલી, તૂતીકોરીન અને તેન કાશીમાં તો હાલાત અત્યંત ગંભીર બની છે. અહીં નદીમાં પૂરોમાંથી જનતાને બચાવવા SDRF, NDRF અને રાજ્ય પોલીસ પણ કાર્યરત થઈ ગઈ છે. તેઓએ ૭,૫૦૦થી વધુ લોકોને સલામત સ્થળે પહોંચાડયા છે, અને રાજ્ય સરકારે સ્થાપેલી રાહત છાવણીઓમાં તેમને આશ્રય અપાયો છે. છેલ્લાં ૪૮ કલાકમાં તમિળનાડુમાં ૧૧૫૦ મીમી વર્ષા નોંધાઈ છે. તિરૂનેલવેલી અને તુતીકોરિનમાં આવેલા ક્યાલ પટ્ટીનમમાં છેલ્લા ૩૦ કલાકમાં ૧૧૮૬૦ મી.મી. વર્ષા નોંધાઈ છે. જ્યારે તિરૂએન્દ્રરમાં ૯૨૧ મીમી વર્ષા નોંધાઈ છે. હજી વધુ વરસાદની સંભાવના છે.

આ પરિસ્થિતિમાં દક્ષિણ તમિળનાડુમાં ચૂચૂકડી પાસેના પૂરગ્રસ્ત વિસ્તાર સ્થિત શ્રી વૈંકુંઠમમાં ટ્રેનમાં ફસાયેલા તમામ ૮૦૯ યાત્રીકોને મંગળવારે બચાવી લેવાયા હતા.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ૨૪ કલાકમાં હજી પણ વાદળ છવાયેલાં રહેશે, વરસાદની સંભાવના છે. મોજાં ઊંચા ઉછળવાની પણ શક્યતા છે. તેથી માછીમારોને સમુદ્રમાં ન જવા કહી દેવાયું છે.

તમિળનાડુના મુ.મં. એમ.કે. સ્ટાલિને જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણના જિલ્લાઓમાં સમગ્ર વર્ષ દરમિયાન જેટલો વરસાદ થાય છે, તેટલો વરસાદ એક જ દિવસમાં થયો છે અને નદીઓમાં પૂર આવ્યાં છે. ૧૦૦ વર્ષના ઈતિહાસમાં આટલો વરસાદ નોંધાયો નથી. તેઓએ કેન્દ્ર પાસેથી રૃા. ૨૦૦૦ કરોડની સહાયની માંગણી પણ કરી છે.


Google NewsGoogle News