તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર: શાળા-કૉલેજો, ઍરપૉર્ટ બંધ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
Cyclone Fengal in Tamil Nadu: ફેંગલ વાવાઝોડું શનિવારે (30મી નવેમ્બર) સાંજે 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટને શનિવારે સાંજે 7 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે તમિલનાડુના નવ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
દરિયાકિનારા પર સુરક્ષામાં વધારો
પ્રશાસને પુડુચેરીના દરિયાકાંઠે પણ સુરક્ષા વધારી દીધી છે. પુડુચેરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાઈવાનને આ વિસ્તારના દરિયાકિનારા અને દરિયાકાંઠાના રસ્તાઓની મુલાકાત લીધી હતી. તમિલનાડુના લોકોને ચેન્નાઈના મરિના બીચ, પટ્ટિનપક્કમ અને એડવર્ડ ઈલિયટ બીચ સહિતના દરિયાકાંઠે ન જવાની સલાહ આપી હતી.
ચેન્નાઈમાં જળબંબાકાર
ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ન્યૂ વોશરમેનપેટ, જેમિની ફ્લાયઓવર અને માઉન્ટ રોડ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ચેન્નાઈમાં શુક્રવાર રાતથી સતત ભારેથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સરપ્રાઈઝ આપશે ભાજપ? ફડણવીસ જ નહીં, બે નામ પણ CM બનવાની રેસમાં