ચીપલુણમાં મેઘતાંડવ, 12 ફૂટ પાણી ભરાયાં : 5000 લોકોનો જીવ જોખમમાં
મહારાષ્ટ્રના થાણે, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુરમાં બારેય મેઘ ખાંગા
એનડીઆરએફની ટીમ અને હવાઇ દળનાં હેલિકોપ્ટરોએ બચાવ કામગીરી શરૂ કરી: સંદેશા વ્યવહાર ઠપ
બસ સહિતના વાહનો પાણીમાં ગરકાવ શહેરમાં મગર અને સાપ ઘૂસી ગયા
મુંબઇ : મહારાષ્ટ્રમાં આજે બારેય મેઘ ખાંગા થયા છે. થાણે, રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ અને કોલ્હાપુર એમ પાંચ જિલ્લામાં મેઘતાંડવ સર્જાયું છે. હજારો લોકોને અસર થઇ છે.નદીઓ ગાંડીતૂર થઇને બે કાંઠે વહી રહી છે.મોટાભાગના ડેમ છલકાઇ ગયા છે. પહાડો ઉપરથી તોફાની ધોધનાં પાણી પણ ચારે તરફ ધસમસી રહ્યાં છે.
ખાસ કરીને રત્નાગિરિ જિલ્લાના તાલુકા મથક ચીપલુણમાં આભ ફાટયું છે. ગઇકાલ રાતથી શરૂ થયેલા અતિ મુશળધાર વરસાદે ચીપલુણને વેરવિખેર કરી નાખ્યું છે.5,000 કરતાં વધુ લોકોનો જીવ જોખમમાં મૂકાયો હોવાના અહેવાલ મળે છે.
આ અહેવાલ લખાય છે ત્યારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ.)ના કમાન્ડર અનુપમ શ્રીવાસ્તવે એવી માહિતી આપી હતી કે અમારી ટુકડીઓ ચીપલુણમાં પહોંચવા પ્રયાસ કરી રહી છે.જોકે ચારે તરફ જળબંબાકાર હોવાથી એનડીઆરએફની ટીમ હાલ ચીપલુણથી 10 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે.
જોકે પાણીમાં ફસાયેલાં લોકોને બચાવવા માટે હાલ હવાઇ દળનાં બે હેલિકોપ્ટર્સે કામગીરી શરૂ કરી દીધી છે.સાથોસાથ લાઇફ સેવિંગ બોટની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે. ચીપલુણનાં સ્થાનિક નાગરિકોએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે ગઇકાલે રાતે બે વાગે શરૂ થયેલા બેસુમાર વરસાદને કારણે ચીપલુણનાં બજારો,શેરીઓ અને રસ્તા પર 10-12 ફૂટ જેટલાં વરસાદી પાણી ભરાઇ ગયાં છે.
બહાદુર શેખ નામના બજારમાં તો 12-14 ફૂટ જેટલાં વરસાદી પાણી ભરાઇ ગયાં હોવાના અહેવાલ મળે છે.અનેક ઘર,દુકાનો પાણીમાં ડૂબી ગયાં છે. વરસાદી પાણી કેટલીક બિલ્ડિંગ્ઝના પહેલા માળ સુધી પહોંચી ગયાં હોવાથી લોકોએ બીજા માળે આશરો લેવો પડયો છે.અસંખ્ય વાહનો તણાઇ ગયાં છે.
સ્થાનિક નાગરિકોએ ભારે નારાજી સાથે જણાવ્યું હતું કે ગાંડાતૂર વરસાદને કારણે ચીપલુણનો પુળકેવાડી ડેમ છલકાઇ ગયો હતો. ડેમમાં વિપુલ જળ રાશી ભરાઇ જતાં ડેમનું સંચાલન કરતા કર્મચારીઓએ ત્રણ દરવાજા ખોલી નાખ્યા હતા.પરિણામે ડેમનાં ધસમસતાં પાણી ચીપલુણ શહેરમાં પાણી ફરી વળ્યાં હતાં.
અતિ ભારે વરસાદને કારણે આખા રત્નાગિરિ જિલ્લામાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર સદંતર ખોરવાઇ ગયો છે.મોબાઇલ ફોનનું નેટવર્ક પણ ખોરવાઇ જવાથી ચીપલુણ આખા જિલ્લાથી નોખું પડી ગયું છે. અહેવાલો તો એવા પણ મળે છે કે ચીપલુણ નગરની વશિષ્ઠ નદી ભારે ગાંડીતૂર થઇને બેકાંઠે વહી રહી છે.વશિષ્ઠ નદીમાંથી મગરો પણ શહેરમાં ઘૂસી ગયા હોવાથી લોકોમાં ભયનું લખલખું ફરી વળ્યું છે.ઉપરાંત, શહેરમાં સાપ અને અન્ય ઝેરી જંતુઓ પણ ઘૂસી ગયાં હોવાનું જાણવા મળે છે.