ભારતનું આઇટી હબ ગણાતા શહેરમાં સતત ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે 5ના મોત, 3 ગુમ
- સત્તાવાળાઓએ શાળાઓમાં આજે રજા જાહેર કરી
- બંગાળના અખાતમાં ચક્રવાત તોફાનની શક્યતા 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાવાની સંભાવના
બેંગાલુરુ : બેંગાલુરુમાં અલગ અલગ વરસાદ આધારિત ઘટનાઓમાં પાંચ લોકોનાં મોત થયા છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. માર્ગો પર પાણી ભરાઇ જતાં અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
ભારે વરસાદને કારણે એક નિર્માણાધીન બહુમાળી બિલ્ડિંગ ધરાશયી થતાં ત્રણ મજૂરો દટાઇ જતાં મૃત્યુ પામ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેનગેરી તળાવમાં ડૂબી જવાને કારણે બે બાળકોનાં મોત થયા છે.
ધરાશયી થયેલી બિલ્ડિંગના કાટમાળમાંથી ૧૪ લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે ત્રણ લોકો હજુ પણ લાપતા છે તેમ પોલીસેે એક નિવેદનમાં જણાવ્યું છે. સત્તાવાળાઓએ વરસાદને ધ્યાનમાં રાખીને આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરી છે.
જે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ અને ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સની પાંચ ટીમોને કામે લગાડવામાં આવી છે.
બેંગાલુરુના યેલાહાન્કા વિસ્તારમાં ૬ કલાકમાં ૬ ઇંચ વરસાદ પડયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન ડી કે શિવકુમારે દિલ્હી અને દુબઇનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે જ્યારે દુબઇમાં વરસાદ પડી રહ્યો છે.
બીજી તરફ બંગાળના અખાતમાં સર્જાયેલ નીચુ દબાણ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં હવે તે ગંભીર ચક્રવાત તોફાનમાં ફેરવાય તેવી શક્યતા ભારતીય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે પૂર્વ મધ્ય બંગાળની ખાડીની ઉપર ડિપ્રેશન એક ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. આ દરમિયાન ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.