17 હજાર લોકોના રેસ્ક્યુ, 24ના મોત... રસ્તા પર રાત વિતાવવી પડી: આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘતાંડવ
Image Source: X
Telangana-Andhra Pradesh Rain: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મેઘતાંડવના કારણે રવિવાર સાંજ સુધીમાં આંધ્રપ્રદેશમાં 15 અને તેલંગાણામાં 9 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી સાથે વાત કરી છે. કેન્દ્ર સરકારે બન્ને રાજ્યોને વરસાદ અને પૂરનો સામનો કરવા તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
NDRFની 26 ટીમો તેહનાત
તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂર રાહત અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની 26 ટીમો તેહનાત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, બન્ને રાજ્યોમાં 12 ટીમો પહેલેથી જ તેહનાત છે. આ ઉપરાંત 14 ટીમોને ત્યાં મોકલવામાં આવી છે. આ ટીમ દેશભરની અલગ-અલગ જગ્યાએથી ત્યાં પહોંચી રહી છે. NDRFના અધિકારીઓએ જણાવ્યું કે, બન્ને પડોશી રાજ્યોમાં તેહનાત બચાવ ટુકડીઓ અલગ-અલગ સાધનોથી સજ્જ છે.
અનેક ટ્રેનો રદ
દક્ષિણ મધ્ય રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે, ભારે વરસાદ અને અનેક સ્થળો પર પાટા પર પાણી ભરાઈ જવાના કારણે 99 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અને 4 ટ્રેન આંશિક રીતે રદ કરી દેવામાં આવી છે. બીજી ચરફ 54 ટ્રેનોનો રૂટ બદલી દેવામાં આવ્યો છે. બન્ને રાજ્યોમાં નદીઓમાં પૂર છે, રાષ્ટ્રીય અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળોએ પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી હજારો લોકોને રાહત શિબિરોમાં ખસેડ્યા છે.
તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું કે સમયસર લેવાયેલા સાવચેતીના પગલાંને કારણે જાન-માલનું નુકસાન ઓછું થયું છે. સમયસર પગલાં લેવામાં આવ્યા છતાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ સંબંધિત અલગ-અલગ ઘટનાઓમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા છે.
તેલંગાણાની સીએમની ઇમરજન્સી બેઠક
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ આજે હૈદરાબાદમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી અને અધિકારીઓ સાથે વરસાદ/પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી.
હૈદરાબાદમાં ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, હૈદરાબાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે 2 સપ્ટેમ્બરના રોજ તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદનું ઍલર્ટ
આંધ્રપ્રદેશમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, શ્રીકાકુલમ, વિઝિયાનગરમ, પાર્વતીપુરમ મન્યમ, અલુરી સીતારામ રાજુ, કાકીનાડા અને નંદ્યાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.
સીએમ ચંદ્રબાબુ નાયડુએ જનતાને સંબોધિત કરી
તાડેપલ્લીમાં આંધ્ર પ્રદેશ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (APSDMA)માં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતાં સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, રાજ્યમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદને કારણે વિજયવાડા અને ગુંટુર શહેરો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. કાઝામાં વિજયવાડા-ગુંટુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જગ્ગૈયાપેટામાં વિજયવાડા-હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે ડૂબી ગયો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વરસાદથી પ્રભાવિત 17,000 લોકોને 107 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે 1.1 લાખ હેક્ટરથી વધુ કૃષિ વિસ્તાર અને 7,360 હેક્ટર બાગાયત વિસ્તારને નુકસાન થયું છે. નાયડુએ કહ્યું કે, પુનર્વસન કેન્દ્રોમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.