દિલ્હી-NCRમાં ભારે વરસાદે તોડ્યો 88 વર્ષ જૂનો રેકોર્ડ, અનેક રસ્તાઓ બંધ, ઘણાં વિસ્તારો નદીઓમાં ફેરવાયા
Delhi- NCR Heavy rain: હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં ગુરુવારે સવારે 8:30 થી શુક્રવાર સવારે 8:30 વાગ્યા સુધી 228 મીમી વરસાદ નોંધાયો હતો, જે વર્ષ 1936 પછી જૂનમાં 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો, જ્યારે 235.5 મીમી વરસાદ નોંધાયો હતો. સામાન્ય રીતે જોઈએ તો દિલ્હીમાં જૂનમાં સરેરાશ 80.6 મીમી વરસાદ પડતો હોય છે. દિલ્હી-NCRમાં ગુરુવારે શરૂ થયેલા ભારે વરસાદને કારણે આજે શુક્રવાર સવારે મોટાભાગના વિસ્તારોમાં પૂષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા. તો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
વરસાદથી કાળઝાળ ગરમીમાંથી મળી રાહત
પૂરને કારણે દિલ્હી-એનસીઆરમાં રોજિંદા જીવનને નોંધપાત્ર રીતે અસર પડી છે, સવારમાં નોકરી- ધંધા માટે બહાર નીકળેલા મુસાફરોને અતિશય ભરાયેલા પાણી તથા ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. જો કે, મુશળધાર વરસાદે છેલ્લા બે મહિનાની કાળઝાળ ગરમીમાંથી રાહત આપી હતી, અને શુક્રવારે લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય તાપમાનથી 3.2 ડિગ્રી ઓછું હતું. આ અભૂતપૂર્વ વરસાદે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખામીઓને ઉજાગર કરી દીધી છે.
દિલ્હી શહેર ચોમાસા માટે તૈયાર - મેયર ઓબેરોય
દિલ્હીના મેયર શેલી ઓબેરોય દ્વારા 18મી જૂનના રોજ કરવામાં આવેલા દાવા છતાં શહેર ચોમાસા માટે તૈયાર છે. દિલ્હીમાં પહેલા જ નોંધપાત્ર વરસાદથી ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શેલી ઓબેરોયે પહેલા જ ખાતરી આપી હતી કે, નાળા સ્વચ્છ અને તૈયાર છે, આ ઉપરાંત દિલ્હીના રહેવાસીઓ માટે મુશ્કેલી મુક્ત ચોમાસાનું વચન આપ્યું હતું.
કનોટ પ્લેસમાં રસ્તા બંધ
દિલ્હીમાં ભારે વરસાદના કારણે ITO જેવા મુખ્ય ચોક પર લગભગ બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો. મંડી હાઉસથી હનુમાન મંદિર જતો રોડ પર ત્રણ ફૂટથી વધુ પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે અશોકા રોડ, ફિરોઝ શાહ રોડ અને કનોટ પ્લેસ પર રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો. દિલ્હીના મૂળચંદ અને અન્ય વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.
નોઈડાના ઘણા વિસ્તારો પાણીગ્રસ્ત
નોઈડામાં પણ પરિસ્થિતિ એટલી જ ભયાનહ થઈ ગઈ હતી. ગુરુવારે નોઈડા ઓથોરિટીના સીઈઓ અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, ભારે વરસાદને કારણે મહામાયા ફ્લાયઓવર, સેક્ટર 62 તેમજ સેક્ટર 15 અને 16 સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.