રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો... તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો
Namaz And Navratri 2025 : ભાજપે રસ્તા પર નમાજ અદા કરવા મુદ્દે ઉત્તર પ્રદેશથી લઈને દિલ્હી સુધી મોરચો ખોલતાં રાજકીય ઘમસાણ શરુ થઈ ગયું છે. તાજેતરમાં જ સંભલ અને મેરઠમાં રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ ફરમાન બહાર પડાયું હતું. તો હવે દિલ્હીમાં રસ્તા પર નમાજ અટકાવવાની તો યુપીમાં નવરાત્રિએ મીટનું વેચાણ અટકાવવાની માંગ કરવામાં આવી છે, જેના કારણે વિપક્ષોએ ભાજપ નેતાઓની માંગથી વાંધો ઉઠાવ્યો છે અને માંગને બંધારણની અવગણના કહી છે.
AAP ભાજપની માંગનો વિરોધ કર્યો
વાસ્તવમાં દિલ્હી ભાજપના અનેક ધારાસભ્યોએ રસ્તા પર થતી નમાજ અટકાવવાની માંગ કરી છે, જેનો આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)એ વિરોધ કરી ભાજપ (BJP) હિન્દુ-મુસ્લિમનું રાજકારણ રમી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. AAP રાજ્યસભા સાંસદ સંજય સિંહે (Sanjay Singh) સૌગાત-એ મોદી, ઈફ્તાર પાર્ટીઓમાં ભાજપ નેતાઓ સામેલ થતાં હોવાનો ઉલ્લેખ કરી ભાજપની માંગને બેવડી નીતિ કહી છે
એકતરફ શાંતિપૂર્ણ માહોલની વાતો, બીજીતરફ ધાબા પર નમાજ અદા કરવાનો ઇન્કાર
તાજેતરમાં જ સંભલમાં હિંસાના કારણે સંવોદનશીલ માહોલ ઊભો થયો હતો, જેના કારણે વહીવટીતંત્રે ઇદ, શુક્રવારની નમાજ, નવરાત્રિ અને રામ નવમી મુદ્દે બુધવારે શાંતિ સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ દરમિયાન તંત્રએ સ્પષ્ટ કહ્યું હતું કે, તમામ તહેવારો પરંપરાગત રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવાશે. બીજી તરફ અધિકારીઓએ મુસ્લિમ પક્ષને રસ્તા અને ઢાબા ઉપર નમાજ અદા કરવાનો ઇન્કાર કરી દીધો હતો. વિપક્ષોએ ઘરના ધાબા પર નમાજ અદા કરવા પર પ્રતિબંધ લગાવવા મુદ્દે કડક વાંધો ઉઠાવ્યો છે અને આ મુદ્દે ભાજપે બંધારણની અવગણા કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
‘રસ્તા પર નમાજ અદા કરશો તો...’ SPની ચિમકી
તાજેતરમાં જ મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે ઇદ મુદ્દે ધર્મગુરુ, ઇમામોને અપીલ કરી છે કે, તેઓ રસ્તા પર નહીં, પોતાની આસપાસની મસ્જિદોમાં જ નમાજ અદા કરે. જો આદેશનું ઉલ્લંખન કરવામાં આવશે FIR નોંધી કાર્યવાહી કરાશે અને પાસપોર્ટ, લાયસન્સ રદ થઈ શકે છે.
પોલીસે આવું ન કહેવું જોઈએ : કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી
મેરઠ પોલીસના આદેશનો કેન્દ્રીય મંત્રી જયંત ચૌધરી(Jayant Chaudhary)એ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, ‘પોલીસે આવું ન બોલવું જોઈએ કે, અમે પાસપોર્ટ લઈ લઈશું. તંત્ર રસ્તો ખાલી કરવાની વાત કહી શકે છે, પરંતુ આ માટે સંવેદનશીલતા સાથે સમુદાયના લોકો સાથે સંવાદ કરવો જોઈએ.’
સંભલના સાંસદોને પણ વાંધો પડ્યો
ઘરના ધાબા પર નમાજ અદા ન કરવાના તંત્રના આદેશનો સંભલ સાંસદ જિયા ઉર રહમાન બર્કે (Sambhal MP Zia Ur Rehman Barke) પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘લોકોને ઘરના ધાબા પર નમાજ કરતાં અટકાવવા કોઈ યોગ્ય બાબત નથી. ધાબા સરકારની, નગર પાલિકાની કે ગ્રામ સમાજની સંપત્તિ નથી. ધાબું એ વ્યક્તિગત સંપત્તિ છે. વ્યક્તિ પોતાના ઘરમાં ઇબાદત ન કરે, તો ક્યાં કરશે? આવા પ્રકારના પ્રતિબંધો આપણા બંધારણીય અધિકારોના વિરુદ્ધ છે.
આ પણ વાંચો : ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે
મીટની દુકાનો બંધ કરવાની માંગ
ભાજપે ઉત્તર પ્રદેશમાં નવરાત્રિ દરમિયાન મીટની દુકાનો બંધ રાખવાની માંગ કરી છે. જોકે યુપીના મંત્રી કપિલ અગ્રવાલે (UP Minister Kapil Agarwal) પોલીસનો આદેશ સાંભળતાં જ કહ્યું કે, ‘નવરાત્રિના નવ દિવસમાં મીટની કોઈપણ દુકાન નહીં ખૂલે, કડક કાર્યવાહી કરાવો, તેમનો બોલાવીને વાત કરો, કોઈપણ દુકાન નહીં ખૂલે.’
અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, ‘સમાજવાદી પાર્ટી વિકાસ અને સમૃદ્ધી ઇચ્છે છે. અમે કનૌજમાં ભાઈચારાની સુગંધ ફેલાવી છે, જોકે ભાજપ નફરતની દુર્ગંધ ફેલાવી રહ્યું છે. હું કનૌજમાં સુગંધ ફેલાવનારાઓને કહીશ કે, ભાજપની દુર્ગંધને હટાવો, અત્યારે થોડી હટાવી છે, આગામી વખતે વધુ હટાવી દો, જેના કારણે કનૌજનો અટકેલો વિકાસ આગળ વધે.
ઉલ્લેખનીય છે કે, નવારાત્રિ દરમિયાન ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશમાં પણ મીટની દુકાનો બંધ કરાવવાની માંગ ઉઠી છે. ભાજપ ધારાસભ્ય રામેશ્વર શર્મા(BJP MLA Rameshwar Sharma)એ કહ્યું કે, ગંગા-જમનાની સંસ્કૃતિ માત્ર હિન્દુઓ પર જ કેમ લાગુ થાય છે?
આ પણ વાંચો : પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?