યોગી સરકારને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટે દુકાનદારોની નેમપ્લેટ લગાવવાના આદેશ પર લગાવી રોક
ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની યોગી સરકારને સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ
Supreme Court On Kanwar Yatra Name Plate Dispute: યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્થાની બહાર તેમનું નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.
આ પણ વાંચો: ‘રામદેવને ઓળખ આપવામાં વાંધો નથી, તો રહેમાનને કેમ હોવી જોઈએ’, નેમપ્લેટ વિવાદમાં રામદેવની એન્ટ્રી
સુપ્રીમ કોર્ટે યોગી સરકારના આદેશ પર વચગાળાની રોક લગાવી
સુપ્રીમ કોર્ટે હવે યોગી સરકારના આ ફરમાન પર વચગાળાની રોક લગાવતાં કહ્યું છે કે, 'કોઈ દુકાનદારે તેમની દુકાન કે લારી ગલ્લાં બહાર નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી. તેઓ પોતાની ઓળખ જાહેર ન કરે. તમારે નામ નહીં બસ ભોજનની ઓળખ બતાવવી જરૂરી છે. આ સાથે મધ્યપ્રદેશ, યુપી અને ઉત્તરાખંડની સરકારને નોટિસ પણ ફટકારી હતી.'
આગામી સુનાવણી 26મી જુલાઈના રોજ થશે
આ મામલામાં આગામી સુનાવણી 26મી જુલાઈના રોજ થશે. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે દુકાનોના માલિકો અને કર્મચારીઓને તેમના નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ સરકારના આદેશને એનજીઓ એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે સુનાવણી કરી હતી.
આ પણ વાંચો: ઘનશ્યામ હોય કે ઈમરાન - દરેકે પોતાની હોટલ-દુકાનની બહાર નામ લગાવવું પડશે : કાવડ યાત્રા મુદ્દે યોગીનો આદેશ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું થયું?
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પૂછ્યું કે, 'શું આ પ્રેસ સ્ટેટમેન્ટ છે કે આદેશ. અરજદારના વકીલે સી.યુ. સિંહે કહ્યું કે, 'ઉત્તર પ્રદેશના જિલ્લા વહીવટીતંત્ર દુકાનદારો પર તેમના નામ અને મોબાઈલ નંબર દર્શાવવા માટે દબાણ કરી રહ્યું છે. કોઈ કાયદો પોલીસને આ કરવાનો અધિકાર આપતો નથી. કેવા પ્રકારનું ભોજન પીરસવામાં આવે છે તે તપાસવાની સત્તા માત્ર પોલીસ પાસે છે. દુકાનદાર અથવા તેના માલિકનું નામ ફરજિયાત બનાવી શકાય નહીં.'