દેશભરમાં BP, ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારીની ફ્રીમાં થશે તપાસ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરી તારીખો
Health Ministry Nationwide Campaign : કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બ્લડ પ્રેસર, ડાયાબિટીસ અને કેન્સર જેવી બિમારીઓના દર્દીઓની ફ્રીમાં તપાસ કરવા માટે મહાઆયોજન કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માટે દેશભરમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશભરમાં 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી અભિયાન ચલાવવામાં આવશે. મંત્રાલયે 30 વર્ષથી વધુ ઉંમરના યુવાઓને નજીકના આરોગ્ય સુવિધા કેન્દ્રમાં તપાસ કરાવવા માટે આહવાહન કર્યું છે.
20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી રાષ્ટ્રવ્યાપી અભિયાન
મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં કહ્યું છે કે, ‘તમારા આરોગ્યની કાળજી લો... 20 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી બિન-ચેપી રોગો (NCDs)ની તપાસ માટે રાષ્ટ્રવ્યાપી તપાસ અભિયાનમાં જોડાઓ અને તમારી નજીકની સરકારી આરોગ્ય સુવિધા પર મફતમાં ટેસ્ટ કરાવો. તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મૌખિક, સ્તન અને સર્વાઇકલ કેન્સરની તપાસ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે.’
મંત્રાલયે ડાયાબિટીસના લક્ષણોની ઈન્ફોગ્રાફિક પણ પોસ્ટ કરી
મંત્રાલયે પોસ્ટની સાથે એક ઈન્ફોગ્રાફિકમાં ડાયાબિટીસના લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, જેને ક્યારે નંજરઅંદાજ ન કરવા જોઈએ. તેમાં અસ્પષ્ટ દ્રષ્ટિ, ભૂખમાં વધારો, ઘાના રૂઝ થવામાં વિલંબ, થાક, સતત તરસ લાગવી, અચાનક વજન ઘટવું અને વારંવાર પેશાબ થવો જેવા લક્ષણો સામેલ છે. મંત્રાલયે કહ્યું છે કે, આ લક્ષણોને ક્યારેય અવગણવા ન જોઈએ.
30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે આરોગ્ય પડકાર
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન (ICMR-NIN)ના ડેટા મુજબ, દેશમાં કુલ મૃત્યુદરમાં 66 ટકા લોકોના મોત બિન-સંચારી રોગોના કારણે થયા છે. 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે હૃદય સંબંધીત બિમારી, ડાયાબિટીસ, શ્વસન રોગો અને કેન્સર સહિતની બિમારીઓ પડકાર બની ગયો છે.
આ પણ વાંચો : ક્યા રાજ્યના લોકો સૌથી વધુ પીવે છે દારુ, ચોંકાવનારા બિહારના આંકડા