ફક્ત આ ચાર શરતો પર જ હટાવી શકાશે લાઇફ સપોર્ટઃ સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
Health Ministry New Guideline: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે લાઇફ સપોર્ટ અંગે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલી ગાઇડલાઇનમાં નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ એટલે કે એવા લોકો કે જે ગંભીર રીતે બીમાર છે અને માત્ર લાઇફ સપોર્ટના કારણે જ જીવિત છે એ લોકોનું લાઇફ સપોર્ટ હટાવવા મામલે સૂચન આપ્યા છે. આ ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટર ચાર શરતોને ધ્યાનમાં રાખીને જ કોઇ દર્દીનું લાઇફ સપોર્ટ હટાવવા અંગે નિર્ણય લઇ શકે છે.
ચાર શરતોને આધારે કરી શકાશે નિર્ણય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની ગાઇડલાઇનમાં આ મામલે ચાર શરતોનું ઉલ્લેખ કર્યું છે કે જેના આધારે ડોક્ટર નિર્ણય લઇ શકે છે કે દર્દીનું લાઇફ સપોર્ટ હટાવવું જોઇએ કે નહીં. આ માટે પ્રથમ શરત એ છે કે દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હોય. બીજી શરત એ છે કે તપાસમાં ખબર પડે કે દર્દીની સમસ્યા એડવાન્સ સ્ટેજમાં પહોંચી ચૂકી છે અને આ સ્થિતિમાં સારવાર કરવાનું કોઇ લાભ નહીં થાય. ત્રીજી શરત મુજબ દર્દી કે તેના પરિજનો તરફથી લાઇફ સપોર્ટ રાખવાની ના પાડવામાં આવી હોય. ચોથી અને છેલ્લી શરત એ છે કે, લાઇફ સપોર્ટ હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ તરફથી નક્કી કરાયેલા દિશા-નિર્દેશો મુજબ હોય.
આ પણ વાંચોઃ અચાનક તમિલનાડુ સરકારમાં મોટા ફેરફાર, મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ બન્યા DyCM
ડ્રાફ્ટમાં ટર્મિનલ બીમારીનો પણ ઉલ્લેખ
આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ અંગેની નવી ગાઇડલાઇનમાં ટર્મિનલ બીમારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હકિકતમાં, ટર્મિનલ બીમારી એક એવી અસાધ્ય સ્થિતિ છે જેમાં નજીકના ભવિષ્યમાં દર્દીના મૃત્યુની ઉચ્ચ સંભાવના રહેલી હોય. ટર્મિનલ બીમારીમાં મગજની એવી ગંભીર ઇજાઓનો પણ સમાવેશ થાય છે કે જેમાં 72 કલાક કે તેથી વધુ સમયની સારવાર બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો ના હોય. નવી ગાઇડલાઇન અનુસાર, ICUમાં એવા ઘણા દર્દીઓ છે કે જેમને લાઇફ સપોર્ટથી કોઈ ફાયદો થવાની સંભાવના નથી.
આ પણ વાંચોઃ 50 વર્ષ પછી ઉત્તર બિહારની 'કોસી' નદીમાં પૂરનું સંકટ, 13 જિલ્લામાં એલર્ટ જાહેર
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને શું કહ્યું?
મીડિયા અહેવાલ મુજબ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખે આ નવી ગાઇડલાઇન પર કહ્યું કે આ ગાઇડલાઇન ડોક્ટરોને કાયદાકીય તપાસના દાયરામાં લાવશે અને તેનાથી તેમના પર તણાવ વધશે. ડોક્ટર્સ આવા ક્લિનિકલ નિર્ણયો હંમેશા સારા ઈરાદા સાથે જ લેતા હોય છે. દર્દીનું લાઇફ સપોર્ટ હટાવતા પહેલા ડોક્ટર દર્દીના પરિજનોને પરિસ્થિતિ વિશે સારી રીતે સમજાવે છે અને દરેક પાસાઓની તપાસ કર્યા પછી જ આ અંગે નિર્ણય લે છે.