Get The App

આરોગ્ય સહાયકોનો કાયદો કાગળ પર, લોકોના જીવ જોખમમાં

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
આરોગ્ય સહાયકોનો કાયદો કાગળ પર, લોકોના જીવ જોખમમાં 1 - image


- ત્રણ વર્ષથી કાયદાનો અમલ કરવાના નિષ્ફળ રાજ્યો અને કેન્દ્ર પોતાની ફરજ ચૂકતા સુપ્રીમે ઉધડો લીધો

- મેડિકલ રેડિયોલોજી, લેબોરેટરી, એનેસ્થેસિયા, ટ્રોમા વગેરે ક્ષેત્રમાં હજારો લોકો તાલિમ વગરના, સરકારનો કોઇ જ અંકુશ નથી : અરજદાર

- બે મહિનામાં કાયદાનો અમલ ના થયો તો આકરા પગલા લઇશું : સુપ્રીમનું અલ્ટિમેટમ

નવી દિલ્હી : દેશમાં અનેક એવા સ્વાસ્થ્ય ક્ષેત્રના વ્યવસાયીકો છે કે જેમના માટે કોઇ રાષ્ટ્રીય સ્તરનું કમિશન નહોતું, આવા વ્યવસાયીકો માટે વર્ષ ૨૦૨૧માં એક કમિશન બનાવવા કાયદો પસાર કરાયો હતો. જોકે આ કાયદાનો હજુસુધી અમલ નથી કરાયો. જેને પગલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારોનો ઉઝડો લીધો હતો. સાથે જ બે મહિનાની અંદર તેનો અમલ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. મેડિકલ રેડિયોલોજી, ફિઝિયોથેરાપી, ન્યૂટ્રિશન સાઇન્સ, મેડિકલ લેબોરેટરી વગેરે ક્ષેત્રના સહાયક સ્વાસ્થ્ય કર્મચારીઓ માટેના એનસીએએચપી કાયદાની જોગવાઇઓનો અમલ ના થતા સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી, જેને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યા હતા. 

નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેશન્સ એક્ટ ૨૦૨૧ને લઇને થયેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ, ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચ દ્વારા આકરા આદેશ અપાયા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મે ૨૦૨૧માં આ કાયદો પસાર કરાયો હોવા છતા હજુસુધી તેની મોટા ભાગની જોગવાઇઓનો અમલ નથી થયો, અમે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં તેના અમલ માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પાઠવી હતી. જેમાંથી માત્ર ૧૪ રાજ્યો દ્વારા જ સ્ટેટ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. જોકે આ કાઉન્સિલ પણ સક્રિય અવસ્થામાં ન હોવાની માહિતી અમને મળી છે. ત્રણ વર્ષ વીતી ગયા છતા રાજ્યો અને કેન્દ્ર સરકાર પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ નિવડયા છે.  આ કાયદાનો અમલ કરવામાં વિલંબ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા મોડા જવાબ રજુ કરાતા સુપ્રીમ કોર્ટ વધુ રોષે ભરાઇ હતી. સુપ્રીમે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે પોતાનો ઉત્તર રજુ નથી કર્યો, એડિશનલ સોલિસિટર જનરલ કહી રહ્યા છે કે તેઓ બે સપ્તાહમાં જવાબ રજુ કરશે. સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાનો હજુસુધી અમલ નથી કરવામાં આવ્યો, અમે આ બચાવને સ્વીકારી શકીએ તેમ નથી. તાત્કાલીક સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની સાથે ઓનલાઇન બેઠક યોજે, અને આ કાયદાનો અમલ કરવા માટે રોડમેપ તૈયાર કરે. બે સપ્તાહની અંદર આ બેઠક યોજાઇ જવી જોઇએ, જ્યારે ૧૨ ઓક્ટોબર, ૨૦૨૪ પહેલા આ કાયદાનો અમલ કરી દેવામાં આવે. 

સાથે જ તમામ રાજ્યોને આ કાયદાના અમલ માટે લેવાયેલા પગલાનો રિપોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવને સોપવાનો રહેશે. આગામી સુનાવણી પહેલા આ રિપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવશે. જો આ આદેશનો અમલ કરવામાં રાજ્યો અને કેન્દ્ર સરકાર નિષ્ફળ રહ્યા તો વધુ કડક પગલા લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં માગણી કરવામાં આવી હતી કે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મદદરૂપ થનારા વ્યવસાયો માટે કોલેજોની સ્થાપના કરવામાં આવે, કાયદાના અમલ માટે રાજ્ય સ્તરના કાઉન્સિલની સ્થાપના કરવામાં આવે, આ કાયદાનો અમલ ના થતા એલાઇડ સ્વાસ્થ્ય અને શિક્ષણની સેવા પર મોટી અસર થઇ છે. એલાઇડ સ્વાસ્થ્ય ક્ષેત્રોમાં કામ કરવા માટે કોઇ ચોક્કસ શૈક્ષણિક લાયકાત પણ નક્કી કરવામાં નથી આવી. જેને કારણે સ્વાસ્થ્ય ક્ષેત્ર પર એક મોટુ જોખમ ઉભુ થયું છે. 

દેશમાં નેશનલ મેડિકલ કમિશન, ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય સ્વાસ્થ્ય ક્ષેત્રના જે પણ આયોગ છે તેમાં સામેલ ન થતા સ્વાસ્થ્ય ક્ષેત્રના સહાયક કર્મચારીઓ કે વ્યવસાયીકો માટે વર્ષ ૨૦૨૧માં આ કમિશન રચવામાં આવ્યું હતું, જે માટે કાયદો પણ પસાર કરાયો હતો, કાયદા મુજબ તમામ રાજ્યોએ આવા સહાયક સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે શિક્ષણ કે તાલિમની વ્યવસ્થા કરવી અને તેની દેખરેખ રાખવી, રાજ્ય સ્તરના કાઉન્સિલની રચના કરવી, સેન્ટ્રલ અને સ્ટેટ રજિસ્ટાર તૈયાર કરવું સહિતના અનેક નિયમોનો સમાવેશ થાય છે. આ નિયમોનું પાલન ના થતા સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્ર સરકારને હવે અંતિમ ચેતવણી આપી છે. 

આ ક્ષેત્રના વ્યવસાયીકો માટે કમિશન રચવા આદેશ અપાયો

આ કાયદામાં મેડિકલ લેબોરેટરી, લાઇફ સાઇન્સ, ટ્રોમા, બર્ન કેર, સર્જિકલ-એનેસ્થેસિયા સાથે સંકળાયેલી ટેક્નોલોજીને ઓપરેટ કરનારા, ફિઝિયોથેરાપી, ન્યૂટ્રિશન સાઇન્સ, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશન થેરાપી, કોમ્યુનિટે કેર, મેડિકલ રેડિયોલોજી, ઇમેજિન્ગ અને થેરાપેટિક ટેક્નોલોજી, મેડિકલ ટેક્નોલોજિસ્ટ અને ફિઝિશિયન અસોસિએટ્સ, હેલ્થ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ અને હેલ્થ ઇન્ફોર્મેટિક્સ પ્રોફેશન્સ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યવસાયીકો માટે આ રાષ્ટ્રીય સ્તરનું કમિશન રચવામાં આવ્યું છે. જોકે તેનો હજુસુધી અમલ નથી કરાયો.   આ ક્ષેત્રમાં એવા લોકો પણ જોડાઇ જાય છે કે જેમણે કોઇ પણ પ્રકારની તાલિમ નથી લીધી હોતી, જેને કારણે લોકોના સ્વાસ્થ્ય પર જોખમ વધી જાય છે.


Google NewsGoogle News