Get The App

લૉકડાઉનમાં 'યમરાજ' બની લોકોને જાગૃત કરનારા હેડ કોન્સ્ટેબલનું નિધન, કરંટ લાગતા ગુમાવ્યો જીવ

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
લૉકડાઉનમાં 'યમરાજ' બની લોકોને જાગૃત કરનારા હેડ કોન્સ્ટેબલનું નિધન, કરંટ લાગતા ગુમાવ્યો જીવ 1 - image


Indore Head Constable Death: ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં તહેનાત અને લૉકડાઉનમાં 'યમરાજ' બની લોકોને જાગૃત કરનારા હેડ કોન્સ્ટેબલ જવાહર સિંહ જાદૌનનું કરંટ લાગવાથી નિધન થઈ ગયુ છે. જવાહર જૂની ઈન્દોર સ્થિત પોલીસ ક્વાર્ટરમાં રહેતા હતા, શુક્રવારે ઘરની સાફ-સફાઈ કરતી વખતે તેમને વીજળીનો કરંટ લાગ્યો હતો. જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ઘરે એકલા જ હતા. તેમનો પરિવાર ઘરની બહાર હતો. પાડોસીઓએ તેમની ચીસો સાંભળી અને તેમના પરિવારજનોને જાણ કરી, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે.

મૃતક જવાહર સિંહ જાદૌન ક્રાઈમ બ્રાન્ચમાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત હતા અને આ પહેલા તેઓ એમજી રોડ પોલીસ સ્ટેશનમાં પણ સેવા આપી ચૂક્યા છે. પરિવારમાં પોલીસ વિભાગમાં તેમનો ભત્રીજો વિક્રાંત સિંહ જાદૌન લસુડિયા પોલીસ સ્ટેશનમાં તહેનાત છે. તેમના કાકા સત્યેન્દ્ર સિંહ જાદૌન એમજી રોડ પોલીસ સ્ટેશનમાં ASIના પદ પર કાર્યરત છે.

લૉકડાઉનમાં 'યમરાજ' બની લોકોને જાગૃત કર્યા હતા

જવાહર સિંહ જાદૌનને ઈન્દોરમાં ત્યારે એક અલગ ઓળખ મળી હતી, જ્યારે તેમણે કોરોના મહામારી દરમિયાન 'યમરાજ'નો વેશ ધારણ કરીને લોકોને લૉકડાઉનના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કર્યા હતા. તે સમયે તેમની આ અનોખી પહેલ લોકોમાં ચર્ચાનો વિષય બની હતી અને ત્યારે તેઓ એક જવાબદાર અને સંવેદનશીલ પોલીસ કર્મચારી તરીકે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: VIDEO : 'કંઈ બચતું જ થતી નથી..' રાહુલ ગાંધીને પોતાની દુકાને જોઈ વાળંદનું છલકાયું દર્દ

કરંટ લાગવાની ઘટના

પ્રાપ્ત માહિતી પ્રમાણે શુક્રવારે પોતાના ઘરની સફાઈ કરતી વખતે જવાહર વીજળીના તારની લપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટના સમયે તેઓ ઘરે એકલા જ હતા, જેના કારણે તેને મદદ ન મળી શકી. પાડોશીઓએ તાત્કાલિક તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. જ્યાં સુધી પરિવારજનો હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ ઘટનાથી પોલીસ વિભાગ તેમજ તેના પરિવારજનો અને પરિચિતો ઘેરા શોકમાં છે.

પોલીસ વિભાગમાં શોક

આ ઘટના અંગે એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ જણાવ્યું કે, 'જવાહરસિંહ જાદૌન એક ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ પોલીસકર્મી હતા, તેમણે દરેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યોનું સંપૂર્ણ નિષ્ઠા સાથે પાલન કર્યું છે. તેમના નિધનથી પોલીસ વિભાગે એક સારા પોલીસકર્મી અને સમાજે એક સંવેદનશીલ વ્યક્તિ ગુમાવી દીધા છે.'


Google NewsGoogle News