Get The App

મોદી સરકારના મંત્રી ગુજરાતમાં અમેરિકન કંપનીને સબસિડી પર ઉઠાવ્યા સવાલ, બાદમાં લીધો યુ-ટર્ન

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Union Minister HD Kumaraswamy


Union Minister HD Kumaraswamy Statement: કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું હતું કે, 'અમેરિકાની સેમિકન્ડક્ટર કંપની માઈક્રોન ટેક્નોલોજીને ગુજરાતમાં કંપની દ્વારા આપવામાં આવતી દરેક નોકરી પર સબસિડી મળે છે.' હવે તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું કે, 'ભારતમાં સેમિકન્ડક્ટર સેક્ટર લાવવું એ સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે, આપણા દેશને રોજગાર વધારવા માટે પણ તેની જરૂર છે.' 

ભવિષ્યમાં મારે ખૂબ જ સાવધ રહેવું પડશે: એચ.ડી. કુમારસ્વામી

કેન્દ્રીય મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ જણાવ્યું હતુ કે, 'મારી વાત ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. મેં કોઈ રાજ્યનો ઉલ્લેખ કર્યો નથી. મારા નિવેદનને આ રીતે કેમ લેવામાં આવ્યું? ભવિષ્યમાં મારે ખૂબ જ સાવધ રહેવું પડશે.' શુક્રવારે (14મી જૂન) મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, નવી કંપની લગભગ 5,000 નોકરીઓ જાહેર કરશે. આ માટે અમે તેમને 2 અરબ ડોલરની સબસિડી આપી રહ્યા છીએ. જો તમે ગણતરી કરો તો તે કંપનીના કુલ રોકાણના 70% છે. મેં અધિકારીઓને પૂછ્યું કે આવું શા માટે? દેશની સંપત્તિની સુરક્ષા કેવી રીતે કરવી તે અંગે હું ગંભીરતાથી વિચારી રહ્યો છું.' નોંધનીય છે કે, આ કંપની હાલમાં ગુજરાતમાં 2.5 અરબ ડોલરનું યુનિટ સ્થાપી રહી છે.

દેશના યુવાનોને રોજગાર મળશે

સ્ટીલ અને ભારે ઉદ્યોગ મંત્રાલય તેમને સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા એચ.ડી. કુમારસ્વામીએ કહ્યું કે,'અમે દેશના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હું રાજ્યની બહાર પણ નોકરીની તકો ઉપલબ્ધ કરાવી શકું છું. આ માટે તમારે બીજા રાજ્યમાં જવા માટે તૈયાર રહેવું પડશે. મને સિસ્ટમને સમજવા માટે લગભગ 15 દિવસની જરૂર પડશે.'


Google NewsGoogle News