'થોડી દયા કરો, પત્નીની સારવાર તો થઈ જવા દો...', ભગવંત માન સરકાર પર કેમ ભડક્યાં મૂસેવાલાના પિતા?
Image Source: Facebook
ચંદીગઢ, તા. 20 માર્ચ 2024 બુધવાર
દિવંગત પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના માતા ચરણ કૌર અને પિતા બલકૌર સિંહના ઘરે બીજા બાળકનો જન્મ થયો છે. બાળકના જન્મના સમાચાર પોતે બલકૌર સિંહે આપ્યા હતા. હવે તેમણે ભગવંત માન સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. બલકૌર સિંહે કહ્યુ કે ભગવંત માન સરકાર આપણા પરિવારને પરેશાન કરી રહી છે. આ બાળકને લીગલ સાબિત કરવા માટે મને જાત-ભાતના પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. બલકૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો જારી કર્યો છે.
સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા વીડિયો નિવેદનમાં બલકૌર સિંહે કહ્યુ, બે દિવસ પહેલા અમારા ઘરમાં વાહેગુરુની કૃપાથી અમારો શુભદીપ(સિદ્ધુ મૂસેવાલા) પાછો આવ્યો હતો. આજે સવારથી હુ ખૂબ પરેશાન છુ. વિચાર્યુ તમને પણ આ વિશે ખબર હોવી જોઈએ કે તંત્ર મને હેરાન કરી રહ્યુ છે. કહી રહ્યુ છે કે તમે આ બાળકના ડોક્યૂમેન્ટ લાવો. હુ સરકારને ખાસ કરીને સીએમ સાહેબને એક વિનંતી કરવા ઈચ્છુ છુ કે તમે થોડી દયા રાખો, ખાલી સારવાર તો પૂરી થવા દો.
ભગવંત માન સરકાર પર નિશાન સાધ્યુ
ભગવંત માન સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યુ, હુ અહીં રહુ છુ, અહીં રહીશ. તમે જ્યાં બોલાવશો ત્યાં પહોંચીશ. કૃપા કરીને મારી ટ્રીટમેન્ટ પૂરી થવા દો. મે દરેક સ્થળે કાયદાનું પાલન કર્યુ છે. જો તમને વિશ્વાસ ન હોય તો તમે ફરિયાદ નોંધાવીને મને જેલની અંદર બંધ કરી દો. પછી તપાસ કરો. હુ વિશ્વાસ અપાવુ છુ કે હુ તમામ લીગલ ડોક્યુમેન્ટ બતાવીને નિર્દોષ નીકળીશ.