'અમને મફત લહાણીના વાયદા કરતા પક્ષોની માન્યતા રદ્ કરવાની સત્તા નથી'
મફત લહાણી વ્યવહારુ છે કે નહીં તે મુદ્દે સુપ્રીમમાં ચૂંટણીપંચનો જવાબ
મફત ચીજવસ્તુઓના વાયદા રોકવા માટે કાયદામાં જોગવાઈ કરવી જરૃરી, મતદારો જાગૃત બનેઃ પીઆઈએલના સંદર્ભમાં ચૂંટણીપંચનું સોગંધનામું
ચૂંટણી પહેલાં રાજકીય પાર્ટીઓ મફત ચીજવસ્તુઓની લહાણીની જાહેરાત કરે છે. એ વચનો વ્યવહારુ છે કે નહીં તે બાબતે થયેલી પીઆઈએલના સંદર્ભમાં ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપ્યો હતો કે મફત લહાણીના વાયદા કરતા રાજકીય પત્રોની માન્યતા રદ્ કરવાની સત્તા ચૂંટણીપંચને આપવામાં આવી નથી. ચૂંટણીપંચ એ લહાણીની જાહેરાતો રોકી શકે નહીં. મતદારોએ જ જાગૃત બનવું જોઈએ.
સુપ્રીમ કોર્ટમાં થયેલી એક પીઆઈએલમાં કહેવાયું હતું કે ચૂંટણી પહેલાં મફત લહાણીની જાહેરાતો થાય છે અને તેના કારણે પ્રજાના પૈસાનો ખોટી દિશામાં વ્યય થાય છે. જે લહાણીનો વાયદો વ્યવહારુ ન હોય તેના ઉપર કાર્યવાહી કરવી જોઈએ અને આડેધડ ચૂંટણીવચનો આપતી પાર્ટીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ.
આ પીઆઈએલની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે સોગંધનામું રજૂ કર્યું હતું, જેમાં કહેવાયું હતું કે તેમની પાસે આવા પક્ષો સામે કાર્યવાહી કરવાની કોઈ જ સત્તા નથી. ચૂંટણીવચનો વ્યવહારુ છે કે નહીં તે બાબતે નાગરિકોએ જ જાગૃત થવું પડશે. કાયદા મંત્રાલયે એ માટે સંસદમાં બિલ પસાર કરીને ચૂંટણીપંચને સત્તા આપતો કાયદો બનાવવો જરૃરી છે. અત્યારે કોઈ પાર્ટીની માન્યતા રદ્ કરવા માટે ચૂંટણીપંચ પાસે ત્રણ જ માપદંડો છે. તેની બહાર જઈને ચૂંટણીપંચ કાર્યવાહી કરી શકે તેમ નથી.
ચૂંટણીપંચના સોગંધનામા મુજબ રાજ્યની નીતિઓ અને નિર્ણયોમાં ચૂંટણીપંચ દખલ ન કરી શકે. સરકાર બને પછી વિજેતા પક્ષ ચૂંટણીવચનોનું પાલન કરે છે કે કેમ તે બાબતે પણ કોઈ કાયદો નથી. એ જે તે પક્ષની આંતરિક પોલિસી ઉપર નિર્ભર છે. ચૂંટણીપંચે ઉમેર્યું હતું કે આ મુદ્દે અલગ અલગ ૨૦૧૬થી કેન્દ્ર સરકારને ૪૭ પ્રસ્તાવો રજૂ કર્યા છે, જેમાં રાજકીય પાર્ટીઓની માન્યતા રદ્ કરવાના મુદ્દે જોગવાઈની પણ ભલામણ થઈ હતી.
અગાઉ સુપ્રીમ કોર્ટે રાજકીય પાર્ટીઓ મફત ચીજવસ્તુઓની લહાણી કરવાની જે જાહેરાતો કરે છે તે બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને એ સ્થિતિ અંગે ચિંતા દર્શાવી હતી. ચૂંટણીપંચને તેનો જવાબ આપવાનો આદેશ સુપ્રીમે કર્યો હતો.