Get The App

ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે : ભાગવત

Updated: Dec 1st, 2024


Google NewsGoogle News
ઓછામાં ઓછા ત્રણ બાળક પેદા કરો નહીં તો સમાજ નાશ પામશે : ભાગવત 1 - image


- વસતી અસંતુલન તોડવા નીતિ ઘડવાની સલાહ બાદ સંઘ વડાનું મોટું નિવેદન

- દેશમાં બેરોજગારીની બોલબાલા વચ્ચે ભાગવત વસતી વધારવા કહે છે, યુવાનોને પહેલા નોકરી તો આપો : વિપક્ષ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના વડા મોહન ભાગવતે દેશના વસતી વધારાને લઇને મોટુ નિવેદન આપ્યું છે. ભાગવતે કહ્યું છે કે ભારતમાં જન્મ દર ઘટી રહ્યો છે જે ચિંતાજનક છે. જે સમાજનો વસતી વધારો (પ્રજનન દર) ૨.૧ની નીચે આવી જાય તે સમાજ ધીરે ધીરે નષ્ટ થઇ જાય છે. આધુનિક વસતી વિજ્ઞાાન પણ કહે છે કે જો કોઇ સમાજનો પ્રજનન દર ૨.૧ની નીચે જતો રહે તો તે સમાજ નાશ પામે છે. આ દર નીચે ના જવો જોઇએ અને આ માટે દરેક પરિવારમાં બેથી ત્રણ બાળકો પેદા કરવા જોઇએ. હમ દો હમારે દો સુત્ર દ્વારા વસતી ઘટાડા માટે અભિયાન ચલાવાયું હતું, હવે ભાગવતે કહ્યું છે કે ઓછામાં ઓછા ત્રણ બાળકો તો હોવા જ જોઇએ. વસતી મુદ્દે નવો કાયદો અને નીતિ લાવવાની ચર્ચા વચ્ચે મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે.  

દેશમાં પ્રજનન દર ૨.૧એ પહોંચી ગયો, આ જ ગતિથી વસતી ઘટતી રહી તો સમાજને નહીં બચાવી શકાય ઃ સંઘવડા

નાગપુરમાં કૂળ સમ્મેલન દરમિયાન સંઘ વડાએ કહ્યું હતું કે કુટુંબ સમાજનો હિસ્સો છે, વસતી ઘટવી તે ચિંતાજનક બાબત છે, લોકસંખ્યા શાસ્ત્ર કહે છે કે જો આપણે ૨.૧ની નીચે જઇશું તો સમાજનો નાશ થઇ જશે. સમાજનો કોઇ નાશ નહીં કરે તે ખૂદ આપમેળે નાશ પામશે. આપણા દેશમાં વસતી નીતિ ૧૯૯૮થી ૨૦૦૨ દરમિયાન નક્કી કરવામાં આવી હતી, તેમાં પણ જણાવવામાં આવ્યું છે કે પ્રજનન દર ૨.૧થી નીચે ના જવો જોઇએ. આપણે બેથી વધારેની જરૂર છે અને તે છે ત્રણ. આ નંબર બહુ જ મહત્વનો છે અને તો જ સમાજ ટકી શકશે નહીં તો તેનો નાશ થશે. ભાગવતે કહ્યું હતું કે દેશનો વસતી વૃદ્ધિ દર ૨.૧ની નીચે ના જાય તે માટે બેથી વધુ એટલે કે ત્રણ બાળકો પેદા કરવા પડશે. 

સંઘ વડા અગાઉ પણ વસતી વધારા મુદ્દે નિવેદન આપી ચુક્યા છે. તેમણે વર્ષ ૨૦૨૨માં નાગપુરમાં દશેરા રેલીને સંબોધતા કહ્યું હતું કે સમાજ વચ્ચે વસતીમાં અસંતુલન મહત્વપૂર્ણ વિષય છે અને તેને નકારી ના શકાય. વસતીમાં અસંતુલન ભૌગોલિક સ્થિતિમાં બદલાવ લાવે છે. વસતીના આ અસંતુલનને અટકાવવા માટે તમામ સમાજના લોકો માટે નવી વસતી નીતિ લાવવાની જરૂર છે. ચીનની એક પરિવાર એક બાળક નીતિ પર સવાલ ઉઠાવતા ભાગવતે કહ્યું હતું કે જ્યારે આપણે વસતી પર કાબુ મેળવવા પ્રયાસ કરીએ છીએ ત્યારે શું થાય છે તે જોવા ચીનમાં જે થઇ રહ્યું છે તેને જોવુ જોઇએ. ચીને એક જ બાળક પેદા કરવાની નીતિ અપનાવી હતી, જેને કારણે આજે ત્યાં માત્ર વૃદ્ધો જ બચ્યા છે. 

બીજી તરફ મોહન ભાગવતના આ નિવેદનને લઇને વિપક્ષે પણ જવાબ આપ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે પહેલા જે લોકો છે તેમને તો નોકરી પુરી પાડો, નોકરીઓ છે નહીં, લોકો પાસે જે જમીન છે તે વસતીના પ્રમાણમાં ઘટવા લાગી છે. કોંગ્રેસના નેતા ઉંમગ સિંઘારે કહ્યું હતું કે મોહન ભાગવત ઇચ્છે છે કે બેથી વધુ બાળકો પેદા કરવામાં આવે, દેશમાં પહેલાથી જ બેરોજગારી વધુ છે, આજે જે યુવાઓ છે તેમને તો નોકરી પુરી પાડો. ચીને વસતી વધારા પર કાબુ મેળવ્યો છે અને મહાશક્તિશાળી બન્યો છે. મારી તો સલાહ છે કે મોહન ભાગવત હોય, નરેન્દ્ર મોદી હોય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોય સૌથી પહેલા શરૂઆત કરે, જો તેમને વસતીની આટલી જ ચિંતા હોય તો તેમનાથી શરૂઆત થવી જોઇએ. એઆઇએમઆઇએમના સાંસદ અસદ્દુદીન ઓવૈસીએ કહ્યું હતું કે મોહન ભાગવત વસતી વધારવા માગે છે પરંતુ તેનાથી બાળકોને કોઇ ફાયદો થશે? શું ગરીબ પરિવારોને દર મહિને ૧૫૦૦ રૂપિયા આપશો?  


Google NewsGoogle News