ભારતનું એક એવુ રેલવે સ્ટેશન જે એક યુવતીના કારણે રહ્યું 42 વર્ષ સુધી બંધ
Image:Freepik
નવી દિલ્હી,તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર
ભારતીય રેલ્વે સ્ટેશનોને લગતી કેટલીક ન સાંભળેલી વાતો વારંવાર સાંભળવા મળે છે. એક એવા જ સ્ટેશન વિશે તમે કદાચ સાંભળ્યુ હશે. જે રેલવે સ્ટેશન 42 વર્ષ સુધી બંધ રહ્યું. તેના બંધ થવા પાછળની એક કહાની છે.
આ રેલવે સ્ટેશન પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું બેગુનકોડોર રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશન 1960માં ખોલવામાં આવ્યું હતું. સંથાલ રાણી શ્રીમતી લાચન કુમારીએ આ સ્ટેશન ખોલવામાં યોગદાન આપ્યું હતું. આ રેલવે સ્ટેશન પર છેલ્લા 42 વર્ષથી એક પણ ટ્રેન રોકાઈ નથી.
આ રેલ્વે સ્ટેશન ખુલ્યા પછી થોડા વર્ષો સુધી બધું બરાબર હતુ, પરંતુ પછી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી.
આમ તો આ દુનિયામાં સાયન્સે જેટલી તરક્કી કરી છે તેની સામે જો ભૂત પ્રેતની વાત આવે તો આપણામાના અડધા તો આવી વાતો પર ભરોસો ના કરે. આજના જમાનામાં ભૂતની વાતો પર કોઇ વિશ્વાસ કરતુ નથી. ત્યારે આ રેલવે સ્ટેશનની સ્ટોરી એક ભૂત સાથે જોડાયેલી છે.
આ રેલ્વે સ્ટેશન પર 1967માં એક કર્મચારીએ અહીં ભૂત જોયા હોવાનો દાવો કર્યો હતો. તેણે અન્ય રેલ્વે કર્મચારીઓને પણ કહ્યું, પરંતુ તેની વાતને અવગણવામાં આવી હતી.
સ્ટેશન માસ્ટર અને તેમના પરિવારનું મૃત્યુ
આ ઘટનાના થોડા જ દિવસો બાદ બેગુનાકોડોરના સ્ટેશન માસ્ટર અને તેમનો પરિવાર રેલવે ક્વાર્ટરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. લોકોએ દાવો કર્યો હતો કે આ ઘટના પાછળ એક મહિલાનું ભૂત છે. આ પછી લોકો તરફથી આ ભૂતની ઘણી વાતો સામે આવી.
ટ્રેન કરતાં ભૂત ઝડપથી દોડ્યું!
ત્યાંના લોકોનો દાવો છે કે જ્યારે પણ આ રેલવે સ્ટેશન પરથી સૂર્યાસ્ત પછી કોઈ ટ્રેન પસાર થાય છે ત્યારે તે ટ્રેનની સાથે મહિલાનું ભૂત પણ દોડવા લાગે છે. આટલું જ નહીં, ક્યારેક તે ટ્રેન કરતાં પણ વધુ ઝડપથી દોડતુ હોય છે. ઘણી વખત તે ટ્રેનના પાટા પર ડાન્સ કરતુ પણ જોવા મળ્યુ છે.
મામલો રેલવે મંત્રાલય સુધી પહોંચ્યો હતો
આવી ઘટનાઓ બાદ આ રેલ્વે સ્ટેશન ભૂતિયા કહેવાતું હતું. આ સ્ટેશનનો ડર લોકોમાં એટલો ફેલાઈ ગયો કે, લોકો અહીં આવવાનું બંધ કરવા લાગ્યા. આ વાત રેકોર્ડમાં પણ નોંધાઈ હતી. આટલું જ નહીં આ ભૂતની સ્ટોરી કોલકાતા રેલવે સ્ટેશનથી લઈને રેલવે મંત્રાલય સુધી પહોંચી હતી.
કોઇ અંહીં કામ કરવા માંગતુ નથી
રેલવેના કર્મચારીઓ પણ અહીં કામ કરવા માટે આવતા નહોતા. આટલુ જ નહીં અહીં કોઇ ટ્રેન રોકાતી પણ નહોતી. આ સ્ટેશનથી કોઇ મુસાફર ચડતો કે ઉતરતો નથી.
જ્યારે આ સ્ટેશન આવે ત્યારે લોકો ડરી જતા હતા અને ડરના માર્યા તેઓ રેલવેના તમામ બારી-બારણા બંધ કરી દેતા હતા.
હાલમાં અહીં 10 ટ્રેનો રોકાય છે
આ સિલસિલો 42 વર્ષ સુધી ચાલુ રહ્યો, પરંતુ તે પછી 2009માં ગ્રામજનોની વિનંતી પર તત્કાલીન રેલ્વે મંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર આ રેલ્વે સ્ટેશન ખોલ્યું. ત્યારથી, અહીં કોઈ ભૂત જોવાનો દાવો કરવામાં આવ્યો નથી, પરંતુ આજે પણ લોકો સાંજે સ્ટેશન પર રોકાતા નથી. હાલમાં આ સ્ટેશન પર 10 જેટલી ટ્રેનો ઉભી રહે છે. કેટલીકવાર પ્રવાસીઓ પણ અહીં ફરવા આવે છે.