હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપીની દિલ્હીથી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
હાથરસ દુર્ઘટનાના મુખ્ય આરોપીની દિલ્હીથી ધરપકડ, 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી 1 - image


- હાથરસ અકસ્માત પછી પહેલી વખત ભોલે બાબા સામે આવ્યા

- મધુકર આગોતરા જામીન માટે અરજી નહીં કરે : વકીલ, અકસ્માતથી દુ:ખી છું, દોષિતોને છોડાશે નહીં : નારાયણ સાકાર

નવી દિલ્હી/નોઈડા : ઉત્તર પ્રદેશના હાથરસમાં ૧૨૧ લોકોના મોતની દુર્ઘટના પછી ભાગતા ફરતા ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિ શનિવારે પહેલી વખત મીડિયા સામે આવ્યા હતા. બીજીબાજુ હાથરસ પોલીસે હાથરસ કાંડના મુખ્ય આરોપી દેવ પ્રકાશ મધુકરની શુક્રવારે મોડી રાતે દિલ્હીના નજફગઢમાંથી ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે શનિવારે તેને હાથરસ કોર્ટમાં રજૂ કર્યો હતો.

ઉત્તર પ્રદેશના હાથરસમાં બીજી જુલાઈએ ભોલે બાબાના સત્સંગમાં ધક્કા-મુક્કી થયા પછી ૧૨૧ લોકોનાં મોત થયા બાદ મુખ્ય સેવાદાર મુધકર ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. તેના પર રૂ. ૧ લાખનું ઈનામ રખાયું હતું. આ ઘટનાના પછી મધુકરના વકીલ એપી સિંહે શુક્રવારે મોડી રાતે એક વીડિયો સંદેશમાં દાવો કર્યો હતો કે તેના અસીલ દેવપ્રકાશ મુધકરે દિલ્હીમાં આત્મસમર્પણ કરી દીધું છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અમે ઉત્તર પ્રદેશ પોલીસ, એસઆઈટી અને એસટીએફને બોલાવી છે. અમે દેવ પ્રકાશ મુધકરના આગોતરા જામીન માટે અરજી નહીં કરીએ કારણ કે અમે કશું જ ખોટું નથી કર્યું તેમ વકીલ એપી સિંહે કહ્યું હતું.

હાથરસ પોલીસ દેવપ્રકાશ મધુકરને દિલ્હીના નજફગઢ વિસ્તારથી ઉત્તર પ્રદેશ લઈ ગઈ છે અને તેને હાથરસ કોર્ટમાં રજૂ કરાયો હતો. હાથરસના એસપી નિપુન અગ્રવાલે કહ્યું કે, મુધકરે તાજેતરમાં કેટલાક રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. મધુકર જાતે બની બેઠેલા ભોલે બાબાના હિસાબોની દેખરેખ રાખતો સેવાદાર હતો. તેના નાણાકીય વ્યવહારો અને કોલ રેકોર્ડ્સની તપાસ કરાઈ રહી છે. હાથરસ દુર્ઘટનામાં સિકંદર રાવ પોલીસ મથકમાં એફઆઈઆરમાં એકલા મધુકરને જ આરોપી બનાવાયો છે.

દરમિયાન હાથરસ દુર્ઘટનાના પાંચ દિવસે ભાગેડુ સૂરજપાલ ઉર્ફે ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર વિશ્વ હરિ પહેલી વખત મીડિયા સામે આવ્યો હતો. તેણે કહ્યું કે, બીજી જુલાઈની ઘટના પછી તે ખૂબ જ વ્યથિત હતો. પ્રભુ અમને દુ:ખના સમયમાંથી બહાર નીકળવાની શક્તિ આપે. બધા શાસન તંત્ર પર વિશ્વાસ જાળવી રાખો. મને વિશ્વાસ છે કે જે ઉપદ્રવીઓ હતા તેમને છોડવામાં નહીં આવે. જોકે, પોલીસ સૂત્રોનું કહેવું છેકે ભોલે બાબાએ બીજી જુલાઈએ ધક્કામુક્કીની દુર્ઘટના પછી બપોરે ૨.૦૦ વાગ્યે આયોજકો સાથે ચાર વખત વાત કરી હતી અને ત્યાર પછી મૈનપુરી ફાર્મહાઉસ નજીક સાંજે ૪.૩૫ વાગ્યે મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. 

હાથરસ ભાગદડો કાંડની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે એક એસઆઈટીની રચના કરી હતી, જેણે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૦૦ લોકોના નિવેદનો નોંધ્યા હતા. એસઆઈટીએ આ દુર્ઘટના માટે આયોજકોની બેદરકારીને જવાબદાર ઠેરવી હતી. મુખ્ય સેવાદાર મધુકરની આજે ધરપકડ થઈ છે અને યોગાનુયોગ ભોલે બાબા પણ આજે જ મીડિયા સામે આવ્યા છે.

દલિત વોટ બેન્ક : ભોલે બાબા પ્રત્યે રાજકીય પક્ષોનું નરમ વલણ

મેરઠ : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં ૧૨૧ લોકોનાં મોતની દુર્ઘટનામાં હવે દલિત રાજકારણ ગરમાઈ રહ્યં  છે. આ મુદ્દે રાજકીય પક્ષો ભોલે બાબા ઉર્ફે સુરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ વિરુદ્ધ નરમ વલણ અપનાવી રહ્યા છે. રાજકીય નિષ્ણાતોના મતે સૂરજપાલની જાટવ (દલિત) મતો પર મજબૂત પકડ હોવાથી બધા પક્ષો ભોલે બાબા વિરુદ્ધ બોલવાનું ટાળી રહ્યા છે. નારાયણ સાકાર હરિની ઉત્તર પ્રદેશના ૧૬ જિલ્લામાં દલિત મતો પર અસર હોવાનું મનાય છે. જોકે, સામાન્ય લોકોની નજરમાં હાથરસ દુર્ઘટના માટે નારાયણ સાકાર હરિ જવાબદાર છે. જોકે, આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સમાજવાદી પક્ષના પ્રમુખ અખિલેશ યાદવ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, બસપા સુપ્રીમો માયાવતી સહિત તમામ મંત્રીઓએ શુક્રવારે આપેલા નિવેદનોમાં નારાયણ સાકાર હરિ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે. તેઓ સત્સંગમાં ભાગદોડ-ધક્કામુક્કીથી મોત માટે આયોજકો અને સેવાદારોને જવાબદાર ઠેરવી રહ્યા છે.


Google NewsGoogle News